
રજનીકાંતની જેલર ૨ OTT પર આવશે ૮૨૦ કરોડની કમાણી બાદ OTT પર જેલર ૨નો જલવો ૧૨ નવેમ્બરથી પ્રાઇમ વીડિયો પર પાંચ ભાષાઓમાં અભિનેતાની રજનીકાંતની ફિલ્મ જેલર ૨ રિલીઝ થશે સુપરસ્ટાર રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ ‘જેલર ૨’ હવે સિનેમાઘરો બાદ OTT પર ધમાલ મચાવવા તૈયાર છે. વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર રૂપિયા ૮૦૦ કરોડથી વધુની કમાણી કરનાર આ ફિલ્મની ડિજિટલ રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. ફિલ્મ ૧૨ નવેમ્બર, ૨૦૨૬થી એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે. ખાસ વાત એ છે કે ફિલ્મને એકસાથે પાંચ ભાષાઓમાં રજૂ કરવામાં આવશે, જેથી ભારત સહિત વિશ્વભરના દર્શકો તેને માણી શકશે. ફિલ્મના OTT રિલીઝની જાહેરાત આજે કરવામાં આવી છે. પ્રાઈમ વીડિયોએ સોશિયલ મીડિયા પર ‘ટાઈગર મુથુવેલ પાંડિયન ઇઝ બેક’ અને ‘રીલોડેડ’ સંદેશ સાથે ૧૨ નવેમ્બરની તારીખ જાહેર કરી હતી. ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષામાં ઉપલબ્ધ રહેશે. પ્રાઇમ વીડિયો પર ફિલ્મ ભારત ઉપરાંત વિશ્વના ૨૪૦થી વધુ દેશો અને પ્રદેશોમાં જાેવા મળશે. ‘જેલર ૨’નું દિગ્દર્શન નેલ્સન દિલીપકુમારે કર્યું છે, જ્યારે કલાનિધિ મારનના સન પિક્ચર્સ બેનર હેઠળ ફિલ્મનું નિર્માણ થયું છે. ફિલ્મમાં રજનીકાંત ફરી એકવાર નિવૃત્ત જેલર ટાઇગર મુથુવેલ પાંડિયનના આઈકોનિક પાત્રમાં જાેવા મળે છે. અગાઉની ફિલ્મની સફળતા બાદ તેની સિક્વલને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા હતી. ફિલ્મની વાર્તામાં મુથુવેલ પાંડિયન નિવૃત્તિ બાદ પરિવાર સાથે શાંતિપૂર્ણ જીવન જીવવા ઈચ્છે છે, પરંતુ શક્તિશાળી ગુનાહિત સિન્ડિકેટ અને જૂના દુશ્મનોના કારણે તેને ફરી એકવાર પોતાના જૂના અંદાજમાં પરત ફરવું પડે છે. પરિવાર અને પોતાની વિરાસતને બચાવવા માટે તે ખતરનાક મિશન હાથ ધરે છે. ફિલ્મમાં એક્શન, મોટા પાયાના દૃશ્યો અને ભાવનાત્મક પ્રસંગોનું મિશ્રણ જાેવા મળે છે.રજનીકાંત ઉપરાંત ફિલ્મમાં એસ.જે. સૂર્યા, શિવરાજકુમાર, રામ્યા કૃષ્ણન, યોગી બાબુ, વિદ્યા બાલન, મિથુન ચક્રવર્તી, સુરજ વેન્જારામૂડુ અને નમો નારાયણ સહિતના કલાકારો મહત્વની ભૂમિકામાં છે. મોહનલાલ, હૃતિક રોશન અને વિજય સેતુપતિની ખાસ હાજરી પણ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે. અનિરુદ્ધ રવિચંદરે ફિલ્મનું સંગીત આપ્યું છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. વિવિધ બોક્સ ઓફિસ ટ્રેકર્સના અહેવાલો અનુસાર, ‘જેલર ૨’નું વિશ્વવ્યાપી કલેક્શન રૂપિયા ૮૨૦ કરોડની આસપાસ પહોંચી ગયું છે. આ સાથે ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મોમાં ટોચનું સ્થાન મેળવી ચૂકી છે. ભારતમાં પણ ફિલ્મે રૂપિયા ૫૪૫ કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન નોંધાવ્યું છે. દિગ્દર્શક નેલ્સન દિલીપકુમારે જણાવ્યું હતું કે મુથુવેલ પાંડિયનના પાત્રને દર્શકોએ આપેલો પ્રેમ તેમના માટે અત્યંત ખાસ રહ્યો છે. સિક્વલમાં વાર્તા, એક્શન, ભવ્યતા અને ભાવનાત્મક પાસાંને વધુ મોટા સ્તરે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે થિયેટરમાં સફળતા મેળવ્યા બાદ ‘જેલર ૨’ પ્રાઇમ વીડિયો પર આવી રહી છે, જ્યાં દર્શકો પહેલી ‘જેલર’ અને તેની સિક્વલ બંનેનો આનંદ માણી શકશે.




