
રણબીરે કહ્યું – ભાગ ૨ વધુ ભવ્ય અને મનોરંજક હશે ‘રામાયણ’ માટે ૧૦ ભાગની ફિલ્મ પણ ઓછી પડે : રણબીર કપૂર બીજા ભાગમાં સની દેઓલ દ્વારા ભજવાયેલાં ભગવાન હનુમાનના પાત્રને વધુ મહત્વ મળશે અને કથા તેના ભવ્ય ક્લાઇમેક્સ તરફ આગળ વધશે
નિતેશ તિવારી દિગ્દર્શિત મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’ને લઈને દર્શકોમાં ઉત્સુકતા સતત વધી રહી છે. દિવાળી દરમિયાન પ્રથમ ભાગ રિલીઝ થવાનો છે, ત્યારે ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા ભજવનારા રણબીર કપૂરે હવે ફિલ્મનાં બીજા ભાગ અંગે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેણે જણાવ્યું કે ‘રામાયણ: ભાગ ૨’નું લગભગ ૫૦ ટકા શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે અને સિક્વલ પ્રથમ ભાગ કરતાં વધુ ભવ્ય તથા મનોરંજક હશે.એક ઇન્ટરવ્યુમાં રણબીર કપૂરે જણાવ્યું કે ‘રામાયણ’ જેવી મહાકાવ્ય કથાને માત્ર બે ફિલ્મોમાં સમાવી દેવી ખૂબ જ પડકારજનક બાબત હતી. તેણે કહ્યું, “સાચું કહું તો, ‘રામાયણ’ જેવી કથા કહેવા માટે કદાચ ૧૦ ભાગની ફિલ્મની જરૂર પડે. પરંતુ આ સમગ્ર કથાને માત્ર બે ભાગમાં સંક્ષિપ્ત રીતે રજૂ કરવી ખૂબ મુશ્કેલ હતી.”રણબીરે સ્પષ્ટ કર્યું કે તેના મત મુજબ ‘રામાયણ’ જેવી અમર કથાને આધુનિક સ્વરૂપ આપવાની જરૂર નથી. તેણે કહ્યું, “‘રામાયણ’ જેવી કથાને બદલવાની જરૂર નથી. આ ગ્રંથ છેલ્લા ૪,૦૦૦ વર્ષથી જીવંત રહ્યો છે. ભગવાન રામ વિશ્વભરના લાખો લોકોના જીવનમાં માર્ગદર્શક રહ્યા છે. હિંમત, સત્યનો વિજય, ધર્મ, ક્ષમા, કરુણા અને અહંકાર જેવા જીવનમૂલ્યો આ કથામાં સમાયેલા છે અને તે દરેક માટે જીવનપાઠ સમાન છે.”રણબીરે વધુમાં ખુલાસો કર્યાે કે ફિલ્મનાં બીજા ભાગનું કામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેણે જણાવ્યું, “પ્રથમ ભાગ રિલીઝ થાય તે પહેલાં જ અમે ભાગ ૨નું લગભગ ૫૦ ટકા શૂટિંગ પૂરું કરી ચૂક્યાં છીએ, કારણ કે આ એક સતત આગળ વધતી કથા છે.”રણબીરે વચન આપ્યું કે ‘રામાયણ: ભાગ ૨’ પ્રથમ ભાગ કરતાં વધુ ભવ્ય અને વધુ મનોરંજક હશે. સાથે જ તેણે સંકેત આપ્યો કે બીજા ભાગમાં સની દેઓલ દ્વારા ભજવાયેલાં ભગવાન હનુમાનના પાત્રને વધુ મહત્વ મળશે અને કથા તેના ભવ્ય ક્લાઇમેક્સ તરફ આગળ વધશે.‘રામાયણ’નો પહેલો ભાગ દિવાળી ૨૦૨૬ દરમિયાન સિનેમાઘરોમાં રિલીઝ થશે, જ્યારે બીજા ભાગની રિલીઝ દિવાળી ૨૦૨૭ એ થવાની છે.




