
બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદમાં મેગા રક્તદાન શિબિરમાં 1018 યુનિટનું કલેક્શન,યુવા રક્તદાતાઓ મોટી સંખ્યામાં જોડાયા
બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજ્યોગીની દાદી પ્રકાશમણીજીની પુણ્યતિથિ પર સમગ્ર ભારતમાં રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન
અમદાવાદ : બ્રહ્માકુમારીઝના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી પ્રકાશમણિજીની ૧૮મી પુણ્યતિથિ પર મહારક્તદાન અભિયાન આયોજિત કરી વિશ્વ બંધુત્વ દિવસ તરીકે ભારત અને નેપાળમાં મનાવ્યો.
આજે અમદાવાદ શહેરમાં વિવિધ 21 બ્રહ્માકુમારીઝના સેવાકેન્દ્ર પર રક્તદાન કેમ્પનું આયોજન થયેલ. જેમાં કુલ 1260થી વધુ રક્તદાતાઓ દ્વારા 1018 બોટલ એકત્ર કરવામાં આવી.
આજના રક્તદાન કેમ્પમાં 30 થી 50 વર્ષની વયના 558 રક્તદાતાઓ રહ્યા. જેમાં સૌપ્રથમવાર રક્તદાન કરનાર 375 રક્તદાતાઓ હતા.
બ્રહ્માકુમારીઝના મીડિયા સંયોજિકા બ્ર. કુ. ડૉ. નંદિનીબેને માહિતી આપી કે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, પ્રથમા બ્લડ બેન્ક, સર્વોદય બ્લડ બેન્ક, અમદાવાદ સીવીલ હોસ્પિટલ બ્લડ બેન્ક, અમદાવાદ કેન્સર હોસ્પિટલ બ્લડ બેન્ક, લાયન્સ ક્લબ બ્લડ બેન્ક જેવી વિવિધ બ્લડ બેંકોના સહયોગથી આજે મેગા રક્તદાન કેમ્પ સફળ રહ્યો.દરેક રક્તદાન સ્થળોએ સમાજના પ્રતિષ્ઠિત વિશિષ્ઠ મહાનુભાવો દ્વારા આદરણીય રાજ્યોગીની દાદી પ્રકાશમણીજીને પુષ્પમાળા, વેલ્યુ સ્ટિક અર્પણ કરી, દીપ પ્રગટાવી હૃદયાંજલી આપી કેમ્પનો મંગલ પ્રારંભ કર્યો. વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇનના કડક પાલન સાથે રક્તદાન પ્રક્રિયા હાથ ધરાયેલ.
આજે સમગ્ર ભારતમાં ૬૫,૦૦૦ યુનિટ રક્ત એકત્ર થયેલ છે, જે આજે રાત સુધીમાં એક લાખના લક્ષ્યને આંબશે. જેમાં ૮,૦૦૦થી વધુ સમર્પિત બ્રહ્માકુમારી બહેનોએ પણ રક્તદાન કર્યું.
