
૧૭ ગામોને એલર્ટ.પાલિતાણાનો શેત્રુંજી ડેમ ચોથી વખત ઓવરફ્લો.બીજી તરફ, મહુવા તાલુકામાં પણ ભારે વરસાદ વરસતા ગરાસવો નદી ગાંડીતૂર બની છે.
ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પાલિતાણાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સિઝનમાં ચોથી વખત ઓવરફ્લો થયો છે, જેના કારણે ડેમના ૫૯ દરવાજા એક ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ૧૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ, મહુવા તાલુકામાં પણ ભારે વરસાદ વરસતા ગરાસવો નદી ગાંડીતૂર બની છે, જેમાં ગુંદરણી ગામ પાસે નદીના પટમાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમે ૬ કલાકની ભારે જહેમત બાદ તે વ્યક્તિનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો.ગારીયાધાર પંથકમાં પણ મૂશળધાર વરસાદથી ભારે હાલાકી સર્જાઈ છે. પરવડી ગામમાં કેડસમાં પાણી ભરાયા છે અને ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ હોવાની ઘટના બની છે, જાેકે સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી. ભારે વરસાદને કારણે ગારીયાધારથી ભાવનગર, પાલિતાણા, અમરેલી અને દામનગરને જાેડતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો ગયો છે. મીઠાકુવા
વિસ્તારમાં પણ પાણી ભરતા અનેક વાહનો અટવાયા છે, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે.વરસાદને કારણે મહુવા અને સિહોર પંથકમાં પણ સ્થિતિ ગંભીર બની છે. મહુવામાં ધોધમાર વરસાદથી ભાભળી નદી ગાંડીતૂર બની છે, જેના પરિણામે મોટા પીપળવા ગામ બેટમાં ફેરવાયું છે. રેલવે નીચે આવેલો પુલ પાણીમાં ગરકાવ થતા અવરજવર બંધ થઈ ગઈ છે. સિહોરમાં પણ ભારે વરસાદથી ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થઈ ગયું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ગૌતમી નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આ તમામ વિસ્તારોમાં સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે મદદ માટે ટીમો તૈયાર રાખવામાં આવી છે.
