
પાણીજન્ય રોગચાળામાં વધારો.પાણીજન્ય રોગચાળા અટકાવવા આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી.આરોગ્ય વિભાગની ટીમે કુલ ૯૧ આઈસ ફેક્ટરીઓ અને પાણીના જગ વિતરણ કરતા ધંધાર્થીઓની તપાસ કરી હતી.હાલ રાજકોટમાં મિશ્ર ઋતુના કારણે પાણીજન્ય રોગચાળામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગચાળાની શક્યતા અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાણી તથા બરફ વિતરણ કરતા એકમો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે કુલ ૯૧ પાણીના સેમ્પલની તપાસમાંથી ૫૫ સેમ્પલ અનસેટિસફેક્ટરી હોવાનું જણાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
શહેરની જાહેર જનતાના આરોગ્ય હિતને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની ટીમે કુલ ૯૧ આઈસ ફેક્ટરીઓ અને પાણીના જગ વિતરણ કરતા ધંધાર્થીઓની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કુલ ૯૧ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે તમામને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર ૯ સેમ્પલ એક્સેલન્ટ, ૧૧ સેટિસફેક્ટરી, ૧૬ સસ્પીસિયસ અને ચોંકાવનારા રીતે ૫૫ સેમ્પલ અનસેટિસફેક્ટરી હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં બહાર આવ્યું છે.આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર MPN કાઉન્ટમાં કોલીફોર્મ કાઉન્ટ પ્રતિ ૧૦૦ ML મુજબ ૦ (શૂન્ય) એક્સેલન્ટ, ૧થી ૩ સેટિસફેક્ટરી, ૪ થી ૯ સસ્પીસિયસ અને ૧૦ કે તેથી વધુ અનસેટિસફેક્ટરી ગણવામાં આવે છે. આ માપદંડ મુજબ આરોગ્ય માટે અયોગ્ય સાબિત થયેલા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત કુલ ૯૧માંથી ૫૫ સેમ્પલ અનસેટિસફેક્ટરી હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં બહાર આવ્યું છે.
સસ્પીસિયસ અને અનસેટિસફેક્ટરી રિઝલ્ટ આવેલા એકમો પૈકી કુલ ૫૩ એકમોને જી.પી.એમ.સી. એક્ટ–૧૯૪૯ની કલમ ૩૭૬(એ) અંતર્ગત સીલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તે અન્વયે હાલ સુધીમાં ૪૭ એકમોને સીલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના એકમો સામેની કાર્યવાહી હજુ ચાલુ છે. આટલું જ નહીં આગામી દિવસોમાં પણ સેમ્પલ કલેક્શનની કામગીરી સતત ચાલુ રહેશે. સાથે સાથે તમામ પાણી અને બરફ વિતરકોને કડક સૂચનાઓનું પાલન કરવા સૂચવવામાં આવ્યું છે.
આ અંગે વધુમાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, પાણી અને બરફ વિતરકોને બોરવેલના પાણીનો ત્રણ મહિને રિપોર્ટ, ફિલ્ટર બદલવાની નોંધ, પબ્લિક હેલ્થ લેબોરેટરીનો માસિક રિપોર્ટ, ફૂડ ગ્રેડ જગનો ઉપયોગ, ક્લોરીન ડોઝિંગ પંપ દ્વારા ૩ PPM સુપર ક્લોરીનેશન કરેલું પાણી જ વેચાણ કરવા સહિતની કુલ ૧૩ મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે. આ કાર્યવાહીથી શહેરમાં પાણીજન્ય રોગચાળાની શક્યતા ઘટશે અને જાહેર આરોગ્ય સુરક્ષિત રહેશે તેમ આરોગ્ય વિભાગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.




