
જાણો વૈકલ્પિક રૂટઅમદાવાદનો ગિરધર નગર ઓવરબ્રિજ ૨૦ સપ્ટે. સુધી બંધબુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ટ્રેકના પિલરો પર સેગમેન્ટ લગાવવાનું કામ હાથ ધરવામાં આવશે જેને લઈને નિર્ણય
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ગિરધર નગર ઓવરબ્રિજને ફરી એકવાર વાહન વ્યવહાર માટે બંધ કરવાનો ર્નિણય લેવાયો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે આ અંગે એક પ્રેસનોટ બહાર પાડીને જાણકારી આપી છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ટ્રેકના પિલરો પર સેગમેન્ટ લગાવવાનું કામ હાથ ધરવામાં આવશે. આ કામગીરીની સલામતીને ધ્યાનમાં રાખીને, ૨૩ ઓગસ્ટથી ૨૦ સપ્ટેમ્બર સુધી આ બ્રિજ બંધ રહેશે. ગિરધર નગર ઓવરબ્રિજ પૂર્વ અમદાવાદના સૌથી વ્યસ્ત ઓવરબ્રિજ પૈકીનો એક છે. આ પહેલાં પણ ૧૮ જુલાઈથી ૧૦ ઓગસ્ટ સુધી આ બ્રિજ બંધ રહ્યો હતો, અને હવે ફરીથી બ્રિજ બંધ થવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી શકે છે. વાહનચાલકોની સુવિધા માટે, ટ્રાફિક પોલીસે વૈકલ્પિક માર્ગોની જાણકારી આપી છે : કાલુપુર અને પ્રેમ દરવાજા તરફથી આવતા વાહનો: આ વાહનો ઈદગાહ સર્કલથી અસારવા બ્રિજનો ઉપયોગ કરીને બળિયા લીમડી ચાર રસ્તા થઈને સિવિલ હોસ્પિટલ અથવા અસારવા વિસ્તારના મુખ્ય માર્ગો પર જઈ શકશે. શાહીબાગ અને ગિરધર નગર તરફથી આવતા વાહનો: આ વાહનો ગિરધર નગર સર્કલથી કાળકા માતાજીના મંદિર થઈને બળિયા લીમડી ચાર રસ્તાથી સિવિલ હોસ્પિટલ અથવા અસારવા તરફ જઈ શકશે. આ ઉપરાંત, કાલુપુર-પ્રેમ દરવાજા તરફ જવા માટે પણ તેઓ અસારવા બ્રિજનો ઉપયોગ કરી શકશે. વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરીને ટ્રાફિક જામની સમસ્યાથી બચી શકે છે અને કામગીરી પૂર્ણ થવા સુધી સહયોગ આપે.
