
સૌથી સુંદર બીચના અસ્તિત્વ પર આવ્યું મોટું સંકટગુજરાતના ફેમસ શિવરાજપુર બીચને ગળી જશે દરિયો! ગુજરાતનો ‘બ્લુ ફ્લેગ’ શિવરાજપુર બીચ ધોવાઇ રહ્યો છે, પાછલાં ૨૮ વર્ષમાં ૩૨ હજાર ચોરસ મીટર જમીન ધોવાઈ ગઈ
ગુજરાતનો દરિયાકાંઠો ૭૦૦ કિલોમીટર જમીન ગળી ગયો, ૧૬૦૦ કિમીથી વધીને હવે ૨૩૦૦ કિમી થયો. વધુ એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ગુજરાતીઓ જેનો ગર્વ લે છે તે ફેમસ બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચ હવે ધોવાઈ રહ્યો છે. કદાચ ભવિષ્યમાં આ બીચનું અસ્તિત્વ જ નહિ રહે. ગુજરાતના સાંસદ નરહરી અમીને રિપોર્ટ માંગ્યો હતો, જેના જવાબમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે માહિતી આપી છે. સંસદના ચોમાસું સત્ર દરમિયાન મુકાયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાતના કુલ દરિયાકાંઠાનો ૫૩૭ કિલોમીટર કરતા વધુ એટલે કે, કુલ દરિયાકાંઠાનો ૨૭ ટકા હિસ્સો ધોવાણનો ભોગ બન્યો છે. તે પૈકી દ્વારકા પાસેના શિવરાજપુર બીચની ૩૨ હજાર વર્ગ મીટર કરતાં વધુ જમીન દરિયાઇ ક્ષારને કારણે ધોવાઈ ગઈ છે.
ગુજરાતના ૮ બીચ પૈકી ઉભરાટ, તિથલ, સુવાલી, માંડવી, દાંડી, ડભારી, શિવરાજપુર નોર્થ અને શિવરાજપુર સાઉથનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમા સામે આવ્યું કે, દ્વારકા પાસેનો શિવરાજપુર બીચ ૩૨ હજાર વર્ગ મીટર કરતા વધુ ધોવાઈ ગયો છે. એટલે કે આ વિસ્તાર પર હવે પાણીનો કબજાે છે. જાે આ અટકશે નહિ, અને આવુ જ ચાલતુ રહેશે તો સ્થિતિ વણસી શકે છે.
આપણે ગુજરાતીઓ દેશમાં સૌથી લાંબો ૧૬૦૦ કિલોમીટરનો દરિયો હોવાનો ગર્વ લેતા હોઈએ છીએ. પરંતું ગુજરાતના દરિયાકાંઠાના લઈને એક એવી ખબર આવી છે કે તેમાં ગર્વ લેવું કે ટેન્શન લેવું. સરવે ઓફ ઈન્ડિયાએ નવી ટેકનોલોજી સાથે સમગ્ર દેશનો દરિયાકાંઠો માપી નવા આંકડા જાહેર કર્યા છે, જે મુજબ ગુજરાતનો દરિયાકાંઠો હવે ૧૬૦૦ કિમીથી વધીને હવે ૨૩૦૦ કિમી થયો છે. ગુજરાતનો દરિયાકાંઠો ભલે વધુ લાંબો થયો હોય, પરંતું હકીકત એ છે કે, દરિયો આપણી ૭૦૦ કિલોમીટર જમીન ગળી ગયો. જે મોટું સંકટ છે. દરિયાઈ તાપમાનમાં વધારો થવાને કારણે ગુજરાતનો ૧,૬૧૭ કિમીનો દરિયાકિનારો ઝડપથી ક્ષીણ થઈ રહ્યો છે, જે ૪૫.૮% અને ગામડાઓને અસર કરે છે. અમદાવાદ, સુરત અને ભરૂચ જેવા મુખ્ય વિસ્તારો પ્રભાવિત છે. ભાસ્કરાચાર્ય રાષ્ટ્રીય સંસ્થાનો અભ્યાસ (૧૯૭૮-૨૦૨૦) કચ્છના દરિયાને સૌથી વધુ ધોવાણ સાથે દર્શાવે છે. હોટ સ્પોટમાં કચ્છના અખાત અને વલસાડનો સમાવેશ થાય છે, જેમાં ૧૯૯૮ થી ઉચ્ચ ધોવાણ દર છે. ખંભાત પ્રદેશમાં વાર્ષિક પરિવર્તન દર નોંધપાત્ર રીતે ઊંચો છે.૪૦ વર્ષના અભ્યાસમાં બહાર આવ્યું છે કે ગુજરાતનો દરિયાકિનારો ભયજનક દરે અદ્રશ્ય થઈ રહ્યો છે. ખંભાતના અખાતથી કચ્છના અખાત સુધી, સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે, એક સમયના સ્થિર કિનારાઓ હવે ઝડપથી ક્ષીણ થઈ રહ્યા છે. ૧૬ દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી ૧૦ જિલ્લા નોંધપાત્ર ધોવાણ સાથે ઝઝૂમી રહ્યા છે, જે રાજ્યના દરિયાકાંઠાના લગભગ ૪૫.૮%ને અસર કરે છે.
