
આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે તાજેતરમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે, અને આ ચૂંટણીઓ પહેલાં જ ભાજપમાં ડર ફેલાઈ ગયો છે કે જનતા મત નહીં આપે. આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે અને લોકોને વધુ સમર્થન મળી રહ્યું છે, જેના કારણે ભાજપ આમ આદમી પાર્ટીને રોકવા અને તોડવા માટે અત્યાચાર અને ગંદી રાજનીતિ અપનાવી રહી છે. તેમણે જણાવ્યું કે રાજનીતિમાં મુદ્દાઓની લડાઈ હોવી જોઈએ, પરંતુ ભાજપ હિટલરશાહી પર ઉતરી આવી છે અને પોતાની સત્તા ટકાવવા માટે તમામ હદો પાર કરી દીધી છે. છેલ્લા ત્રણ મહિનામાં આમ આદમી પાર્ટીના ૧૬૦થી વધુ કાર્યકરો અને નેતાઓ પર ખોટા કેસો કરીને તેમને જેલમાં નાખવામાં આવ્યા છે, માત્ર એટલા માટે કે તેઓ લોકો માટે લડે છે, અવાજ ઉઠાવે છે અને જનતાનો આશીર્વાદ મેળવે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે અમે ડરવાના નથી, અમે ઝુકવાના નથી, પરંતુ આ હકીકત ગુજરાતની જનતા સુધી પહોંચવી જરૂરી છે.
AAP નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યું કે છેલ્લા બે દિવસમાં પોરબંદર, જામનગર અને ખંભાળિયામાં ગંભીર ઘટનાઓ બની છે, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને ટાર્ગેટ કરીને એક્ટિવા લઈને લોકો આવે છે, વાહનોને ટકરાવે છે, ઝગડા કરે છે, ગાડીના કાચ તોડી નાખે છે અને મારપીટ કરે છે. ત્યારબાદ જ્યારે કાર્યકરો ન્યાય માટે પોલીસ સ્ટેશન જાય છે, ત્યારે ફરિયાદ લેવાની બદલે તેમને જ આરોપી બનાવી દેવામાં આવે છે અને તેમની સામે એટેમ્પ્ટ ટુ મર્ડર જેવી ગંભીર કલમો લગાવવામાં આવે છે. એક દિવ્યાંગ વ્યક્તિને પણ માર મારીને ફ્રેક્ચર કરવામાં આવ્યું હોવા છતાં તેની ફરિયાદ લેવામાં આવી નથી અને તેના પર જ કેસ કરવામાં આવ્યો છે, જેને તેમણે હિટલરશાહીની પરાકાષ્ઠા ગણાવી. તેમણે ગુજરાતની જનતાને અપીલ કરી કે હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે.અત્યાચાર છતાં પાર્ટી ડગવાની નથી અને લડત ચાલુ રાખશે. ભાજપને ખુલ્લો પડકાર આપતા તેમણે કહ્યું કે મેદાનમાં આવી લડે, અમે તૈયાર છીએ, ડરવાના નથી. પોલીસને પણ ભાજપના દબાણમાં કામ ન કરવાની અપીલ કરી. અંતમાં તેમણે ગુજરાતની જનતાને આવનારી ચૂંટણીઓમાં આ અત્યાચારનો જડબાતોડ જવાબ આપવા અપીલ કરી અને કહ્યું કે પથ્થરો ફેંકાશે તો પણ અમે તેને પગથિયા બનાવી આગળ વધતા રહીશું, પરંતુ અમને જનતાના આશીર્વાદની જરૂર છે.




