
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વિડીયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદાનું રાજ છે કે પછી જંગલરાજ? રાજકોટમાં 48 કલાકમાં બે મર્ડર અને લૂંટના બનાવ આપણે જોયા. રાજકોટમાં ભારેલો અગ્નિ છે, આવી જ રીતે સુરતમાં એવરેજ રોજ એક હત્યા થાય છે. દારૂ અને ડ્રગ્સનું વેચાણ ગુજરાતમાં બેફામ વેચાણ થઈ રહ્યું છે. અને સરકાર ફાંકા ફોજદારી કરવામાં અને ગરબા રમવામાં વ્યસ્ત છે. જ્યારે પણ આવો કોઈ ક્રાઈમ થાય છે ત્યારે “કોઈપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં” એવી વાતો આપણે છેલ્લા કેટલાય સમયથી વારંવાર સાંભળીએ છીએ પરંતુ ગ્રાઉન્ડ ઉપર આવું કોઈ મજબૂત કામ જોવા મળતું નથી.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, ચાર પાંચ પાકીટમારને પકડીને એમને માર મારીને, વરઘોડા કાઢીને, તેમની રીલ બનાવવાનું કામ કરી તાયફા કરવાનું કામ સરકારે કર્યું છે. તો ગુજરાતની આ પરિસ્થિતિ માટે અત્યારે કોણ જવાબદાર છે? હર્ષ સંઘવી વારંવાર ફાંકા ફોજદારી કરે છે અને મોટી મોટી વાતો કરે છે પરંતુ ગુજરાતની આ સ્થિતિ પાછળ જે જવાબદાર છે એ જવાબદારોને પકડવાનું કામ ક્યારે કરશે? ગુજરાતમાં ગુનેગારોના મનમાં કાયદાનો ડર ક્યારે બેસશે? અમે માંગ કરી રહ્યા છીએ કે રાજકોટમાં જે ઘટના ઘટી છે એના દોષિતોને ઝડપથી પકડવામાં આવે. હાલ સરકારનું નાક કપાઈ રહ્યું છે અને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આજે ગુજરાતમાં જંગલરાજ જેવી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ બની ગઈ છે, તમે ગુજરાતને જે સ્થિતિમાં લાવી દીધું છે એના માટે તમને ભગવાન પણ માફ નહીં કરે, લાનત છે તમારા પર.




