
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAPના મધ્ય ઝોન પ્રમુખ યાત્રિક પટેલે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ગુજરાતના યુવાનો અને ગુજરાતના વિદ્યાર્થીઓ પર અત્યાચાર અને અન્યાય કરવામાં આવી રહ્યો છે, જેના કારણે યુવાનો હવે ભાજપને પસંદ પણ કરતા નથી અને ભાજપના નેતાઓની રેલીઓમાં પણ જવા માંગતા નથી. તો હવે જ્યારે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે તો એમના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા માટે વિદ્યાર્થીઓ પણ દબાણ કરવામાં આવી રહ્યું છે અને બળજબરીપૂર્વક આ રેલી અને સભામાં લઈ જવામાં આવી રહ્યા છે. અમને જાણકારી મળી છે કે ગુજરાતની 47 એન્જિનિયરિંગ કોલેજોમાંથી પ્રતિ કોલેજ અઢીસો વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે, એવો આદેશ ધારાસભ્યો, મંત્રીઓ અને ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે.
વધુમાં યાત્રિક પટેલે જણાવ્યું હતું કે હું પ્રશાસનને અને તમામ એન્જિનિયરિંગ કોલેજના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલને કહેવા માગું છું કે વિદ્યાર્થીઓ ભણવા માટે કોલેજ આવે છે, કોઈ રાજકીય રેલીનો ભાગ બનવા માટે નહીં. તો કોઈપણ પ્રિન્સિપાલ કે ટ્રસ્ટી વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક આ રેલીઓ કે સભાઓમાં મોકલે નહીં. કોલેજો ફક્ત વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરે. જો કોઈપણ કોલેજ આ પ્રકારનું કૃત્ય કરતી દેખાશે અને વિદ્યાર્થીઓને રેલીઓમાં લઈ જશે તો જે તે કોલેજની આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAP દ્વારા તાળાબંધી કરવામાં આવશે. સાથે સાથે તે કોલેજના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલની ચેમ્બરનો ઘેરાવો પણ કરવામાં આવશે અને ચેમ્બરની તાળાબંધી કરવામાં આવશે તથા કોલેજ સામે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.




