
હાલો પટેલભાઈની જાનમાં – અમદાવાદમાં સફળતાપુર્વક રજૂ થયા બાદ હવે રાજકોટમાં
અમદાવાદ, સોમવાર
બ્લોક્બસ્ટર ફેમીલી ડ્રામા “હાલો પટેલભાઈની જાનમાં” અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઈ હોલમાં શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં હકડેઠઠ પ્રેક્ષકોની ભીડ વચ્ચે સફળતાપુર્વક રજુ થયા બાદ હવે ગુજરાતના વિવિધ શહેરોમાં ચાલુ જાન્યુઆરી મહિનો અને ફેબ્રુઆરીમાં ધૂમ મચાવવા જઈ રહ્યું છે. સંપૂર્ણપણે શુદ્ધ અને પ્રત્યેક ગુજરાતીને દરેક ક્ષણે સતત હાસ્ય રસમાં તરબોળ કરવાની સાથે સાથે સમાજમાં ઘટતી ઘટનાનો તાદદ્ર્ય્શ ચિતાર રજૂ કરતી આ નાટકની સ્ક્રીપ્ટ જેવા સાથે તેવા બનવાની પ્રેરણા આપીને અઘટિત કૃત્યો કરનારને બરાબર પાઠ ભણાવવો જ જોઈએ તેવી શીખ પણ આપે છે.
ક્રિષ્ના પંડ્યા અને આરતી સોની પ્રોડક્શનનું આ બહુ ચર્ચિત નાટક પળે પળે પ્રેક્ષકોની દાદ માગતું રહે છે અને સતત તાલીઓના ગડગડાટ વચ્ચે વન્સ મોરની ચિચિયારીઓ તો ચાલુ જ રહે છે. નાટકના પ્રત્યેક કલાકારનો અભિનય કાબિલે દાદ હોવાની સાથે સાથે નાટકના અંત સુધી પ્રેક્ષકોને જકડી રાખે તેવી તેની સ્ક્રીપ્ટ પણ અદભૂત છે.
નાટકના પ્રોડ્યુસર આરતીબેન સોનીએ જણાવ્યું હતું કે, દ્વીઅર્થી સંવાદોથી જોજનો દૂર આ નાટક શુદ્ધ શાકાહારી અને પરિવારના તમામ સભ્યો સાથે બેસીને જોઈ શકાય તેવું છે. રાજકોટમાં આ મહિનાના અંતમાં તેના ચાર જેટલા શો યોજાશે અને આગામી બે મહિનામાં ગુજરાતના તમામ નાણા મોટા શહેરો ઉપરાંત મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે પણ આ નાટકનો શો ભજવશે. ટૂંક જ સમયમાં આ નાટકના સો અંક પુરા થશે તેમ અત્યારે લાગી રહ્યું છે.




