
આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલ બજેટને ખેડૂતવિરોધી બજેટ ગણાવ્યું હતું. તેમણે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો વર્ષોથી કુદરતી આફતોના કારણે પીડાઈ રહ્યા છે. વારંવાર કુદરતી આફતોના કારણે તેમનો પાક નિષ્ફળ જાય છે. આવી પરિસ્થિતિમાં રાજ્યના ખેડૂતોને સરકાર પાસેથી અપેક્ષા હતી કે આ બજેટમાં પાકના રક્ષણ અને સહાય માટે કોઈ મોટી યોજના જાહેર કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે પાક વીમા યોજના ઘણા વર્ષોથી ચાલી રહી છે, છતાં ખેડૂતોને પૂરતો લાભ મળતો નથી. તેથી સરકાર નવી અને અસરકારક યોજના લાવશે તેવી આશા હતી. પરંતુ હાલના બજેટમાં ખેડૂતોના પાકના રક્ષણ કે સીધી સહાય માટે કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી નથી. પ્રવીણ રામના મતે, ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવાયું છે અને આ બજેટ ખેડૂતો માટે લાભદાયક સાબિત થશે એવું લાગતું નથી. તેમણે આક્ષેપ કર્યો કે રાજ્ય સરકાર ખેડૂતવિરોધી માનસિકતા ધરાવે છે અને આ બજેટ તેના પુરાવા સમાન છે.




