
કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે યોજાઈ રીવ્યુ બેઠક. NHAI ના અધિકારીઓ અને ઇજારદારોને રસ્તાઓની ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવાની તાકીદ.ગુણવત્તા સુનિશ્ચિત કરો, અન્યથા કડક કાર્યવાહી માટે તૈયાર રહો એવો સ્પષ્ટ સંદેશ બેઠકમાં આપવામાં આવ્યો. નાગરિકોની
સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા તંત્રને સ્પષ્ટ આદેશ.નેશનલ હાઇવેના નિર્માણ અને રિસર્ફેસિંગમાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી માન્ય નહીં — તેવી કડક સૂચના.નક્કી કરેલી સમયમર્યાદામાં રોડ નિર્માણના તમામ કાર્યો પૂર્ણ કરવા માટે કેન્દ્રીય મંત્રીશ્રીનો અધિકારીઓ તથા ઇજારદારોને કડક નિર્દેશ. સુગમ રોડ કનેક્ટિવિટી ને ટોચની પ્રાથમિકતા આપવા અને તે અંગે ગંભીરતા
દાખવવા તમામ ઉચ્ચ અધિકારીઓ અને ઇજારદારોને સૂચના. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકની ચર્ચાઓ દરમિયાન કેન્દ્રિય મંત્રીશ્રીને અનુરોધ કર્યો કે, નેશનલ હાઈવે પર રાજ્યમાં 35 ટકાથી વધુનું ભારણ રહે છે એ સંદર્ભમાં આ હાઈવેઝની યોગ્ય મરામત થતી રહે અને જરૂર જણાયે વિસ્તૃતિકરણના કામો પણ NHAI કરતી રહે. મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને અમદાવાદ-મુંબઈ, રાજકોટ -ગોંડલ- જેતપુર, અમદાવાદ-ઉદેપૂર આ ત્રણ માર્ગોના પ્રગતિ હેઠળના કામો ઝડપથી પુર્ણ થાય તે જોવા પણ કેન્દ્રિય મંત્રીશ્રીને રજૂઆત કરી
હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રિય મંત્રીશ્રી ગડકરીજીને કરેલી રજૂઆત અંગે ત્વરિત પ્રતિસાદ આપતા શ્રી નીતિન ગડકરીજીએ ગુજરાતમાં NHAI હેઠળના હાઈવે સહિતના અન્ય પ્રોજેક્ટ માટે રૂ.20 હજાર કરોડ કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવાની ખાતરી આ બેઠકમાં આપી હતી.




