
કાનપુરના કારીગરો રાત-દિવસ કરી રહ્યા છે કામ.ઉત્તરાયણ પહેલા સદર બજારમાં જામ્યો માહોલ.ખાસ કરીને યુપીના કાનપુરથી આવેલા દોરીવાલાઓ અહીં દેશી અને સુરક્ષિત દોરા બનાવવાના કામમાં વ્યસ્ત જાેવા મળે છે.રાજકોટની સદર બજારમાં ઉત્તરાયણના એક મહિના પહેલા જ પતંગ, દોરી અને રીલના વેપારમાં ભારે ચહલપહલ જાેવા મળી રહી છે. આ બજારમાં દેશના વિવિધ રાજ્યોમાંથી વેપારીઓ અને કારીગરો આવે છે. ખાસ કરીને યુપીના કાનપુરથી આવેલા દોરીવાલાઓ અહીં દેશી અને સુરક્ષિત દોરા બનાવવાના કામમાં વ્યસ્ત જાેવા મળે છે. દોરાનું કામ કરતા મિથુનભાઈ દોરીવાલા કહે છે કે, તેઓ કાનપુરથી આવે છે અને છેલ્લા ૩૬ વર્ષથી સતત રાજકોટમાં આવીને પતંગની દોરી બનાવવાનું કામ કરે છે. ઉત્તરાયણનો સમય નજીક આવે તે પહેલાં તેઓ અઢી મહિના અગાઉ રાજકોટ આવી જાય છે અને દિવસ-રાત દોરા બનાવવામાં લાગી જાય છે.
મિથુનભાઈ જણાવે છે કે, આ વર્ષે પણ તેઓ છેલ્લા અઢી મહિનાથી રાજકોટમાં છે અને પૂરજાેશમાં કામ ચાલી રહ્યું છે. ઉત્તરાયણ બાદ ૧૬ જાન્યુઆરીએ તેઓ ફરી પોતાના વતન કાનપુર પરત જશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમની સાથે ૭થી ૮ કારીગરો આવ્યા છે, જે તમામ મળીને ઉત્તરાયણ સુધી દોરા બનાવવાનું કામ કરશે. સદર બજારમાં એક જગ્યાએ બેસીને દોરા વળવાનું, તેને સુકવવાનું અને રીલ પર ચઢાવવાનું આખું કામ હાથથી કરવામાં આવે છે.
દોરી બનાવવાની પ્રક્રિયા અંગે મિથુનભાઈ કહે છે કે, દેશી દોરા બનાવવા માટે અનેક કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં દાલચીની, ઇસબગુલ, સાબુદાણા સહિતની ઘણી સામગ્રી ભેળવીને ખાસ લબદું તૈયાર કરવામાં આવે છે. આ લબદાથી દોરાને કોટિંગ આપવામાં આવે છે, જેથી દોરો મજબૂત પણ રહે અને જરૂર પડ્યે તૂટી પણ જાય. તેમનું કહેવું છે કે, અમે જે દોરો બનાવીએ છીએ તે દોરો ક્યાંય ફસાઈ જાય તો તે તૂટી જાય છે, જેથી માણસ, પક્ષી કે પશુને ગંભીર નુકસાન નચાઈનીઝ દોરી અંગે મિથુનભાઈ સ્પષ્ટ રીતે કહે છે કે, ચાઈનીઝ દોરો પ્લાસ્ટિકનો હોવાથી સહેલાઈથી તૂટતો નથી અને તે અત્યંત જાેખમી છે. તેઓ ચાઈનીઝ દોરા બનાવતા નથી. તેઓ માત્ર દેશી અને સુરક્ષિત દોરા જ તૈયાર કરે છે. લોકોમાં હવે આ બાબતે જાગૃતિ આવી રહી છે અને ઘણા ગ્રાહકો પણ સુરક્ષિત દોરાની માગ કરે છે. ઉત્તરાયણનો તહેવાર આનંદ અને ઉત્સાહનો છે, ત્યારે કોઈને નુકસાન ન થાય તે માટે દેશી દોરાનો ઉપયોગ કરવો જરૂરી છે, એમ તેઓ માને છે.
રીલ અંગે વાત કરતાં મિથુનભાઈ કહે છે કે, તેઓ સાકલ રીલ બનાવે છે. આ રીલ ખૂબ મજબૂત અને સારી ગુણવત્તાની હોય છે, જેથી દોરો સરળતાથી વળે અને હાથને પણ નુકસાન ન થાય. તેથી તેઓ ગ્રાહકોને પણ આ સાકલ રીલ લેવાની સલાહ આપે છે. ભાવની વાત કરીએ તો અહીં દોરાના ભાવ પણ સામાન્ય લોકોને પોષાય તેવા રાખવામાં આવ્યા છે. એક હજાર વાર દોરા પીવડાવવાનો ભાવ અંદાજે ૮૦ રૂપિયા રાખવામાં આવે છે, જ્યારે પાંચ હજાર વારના ૪૦૦ રૂપિયા છે.
ઉત્તરાયણ નજીક આવતાં સદર બજારમાં ખરીદી માટે લોકોની ભીડ વધી રહી છે. કાનપુરથી આવેલા આ દોરીવાલાઓની મહેનત અને દેશી દોરાની ગુણવત્તા પતંગરસિયાઓને ખાસ આકર્ષી રહી છે. સુરક્ષિત દોરા સાથે તહેવાર ઉજવવાની ભાવનાથી બજારમાં દેશી દોરાની માગ દિવસે દિવસે વધતી જઈ રહી છે.




