
શ્રી રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ.આજેે ગુજરાતમાં કતલખાના બંધ રાખવા સરકારનો પરિપત્ર.રાજ્યભરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક સંવેદનશીલતા જળવાઈ રહે તે હેતુસર આ અનુરોધ કરવામાં આવ્યો છે.ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં આવેવા તમામ કતલખાનાને આવતીકાલે ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ બંધ રાખવાનો મહત્વનો વહીવટી ર્નિણય લેવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે ગાંધીનગર સચિવાલયમાંથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ઉલ્લેખ કરાયો છે કે, આવતીલાકે અયોધ્યા ધામ ખાતે શ્રી રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થવાના છે, જે નિમિતે રાજ્યભરના તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં આવેલા કતલખાના બંધ રાખવા આવે તેવો સત્તાવાર અનુરોધ કર્યો છે.
૨૨ જાન્યુઆરીએ ગુજરાતભરમાં આવેલા તમામ કતલખાના બંધ રાખવા માટે જારી કરાયેલા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત સચિવના પરિપત્રમાં રાજ્યની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો તેમજ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશનના કમિશનરને આ બાબતને લગતી તમામ જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આવતીકાલે ૨૨ જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજ્યભરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક સંવેદનશીલતા જળવાઈ રહે તે હેતુસર આ અનુરોધ કરવામાં આવ્યો છે.
સરકારના પરિપત્ર અનુસાર, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓએ પોતાના વિસ્તારમાં આવેલા કતલખાના આ દિવસે બંધ રહે તે માટે પૂર્વ તૈયારી કરવી પડશે. કતલખાના સંચાલકોને અગાઉથી જાણ કરી દેવા તેમજ કોઈ પણ પ્રકારની ગેરસમજ અથવા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ઊભી ન થાય તે માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ ર્નિણય અમલમાં મૂકવા માટે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને વહીવટી સ્તરે સંકલન સાધવા પણ કહેવામાં આવ્યું છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગો દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે આ પ્રકારના ર્નિણયો લેવામાં આવતા રહ્યા છે. શ્રી રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ દેશવ્યાપી મહત્વ ધરાવતો પ્રસંગ હોવાથી રાજ્ય સરકારે એકસરખો અભિગમ અપનાવી સમગ્ર રાજ્યમાં સમાન અમલ થાય તે માટે આ અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અયોધ્યા ધામ ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ યોજાઈ હતી, જેને બે વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે દેશના અનેક રાજ્યોમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવાની સંભાવના છે. જેથી લોકોમાં ભાઈચારો વધે તેમ જ સહિષ્ણુતા વધે અને હિન્દુઓની લાગણી દુભાઈ નહીં તે હેતુ સાથે આ પ્રકારનો પરિપત્ર કરીને કતલખાના બંધ રાખવા માટેના નિર્દેશ કર્યો હોવાનું જાણકરી પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે હવે આ પરિપત્ર ને કેટલો સહયોગ મળે છે. તે જાેવું રહ્યું.




