
દૂધના વાહનમાં દારૂની સપ્લાય!દૂધના ટેન્કરમાંથી ઝડપાયો રૂ. ૮ લાખનો વિદેશી દારૂપોલીસે આ વાહનમાંથી અંદાજે ૮ લાખ રૂપિયાથી વધુની કિંમતની કુલ ૧,૭૮૭ દારૂની બોટલો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેબનાસકાંઠા જિલ્લામાં બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અજમાવતા હોય છે, પરંતુ પાલનપુર પોલીસે બુટલેગરોનો વધુ એક મનસૂબો નિષ્ફળ બનાવ્યો છે. ફિલ્મી સ્ટાઈલ ‘પુષ્પા‘ મૂવીની જેમ દૂધના ટેન્કર તરીકે ઉપયોગમાં લેવાતી બોલેરો પીકઅપ ગાડીમાં દારૂ છુપાવીને લઈ જવામાં આવતો હતો. પાલનપુર પોલીસે બાતમીના આધારે આ શંકાસ્પદ વાહનને અટકાવી તપાસ કરતા તેમાંથી દૂધના બદલે વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ વાહનમાંથી અંદાજે ૮ લાખ રૂપિયાથી વધુની કિંમતની કુલ ૧,૭૮૭ દારૂની બોટલો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે પોલીસે અમીરગઢના રહેવાસી સુરતાજી પીરાજી રબારી નામના શખ્સની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે દૂધના વાહનમાં દારૂની હેરાફેરી કરવા પાછળનો હેતુ પોલીસની નજરથી બચવાનો હતો, જેથી કોઈને શંકા ન જાય. હાલમાં પાલનપુર પોલીસે દારૂ અને વાહન મળી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી ભરાયો હતો અને કયા સ્થળે પહોંચાડવાનો હતો, તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે. આ ઓપરેશનથી સરહદી જિલ્લામાં દારૂ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.




