
દર મહિનાના ચોથા મંગળવારે”પૂર્ણા દિવસ”ની ઉજવણી
કિશોરીઓને પૂર્ણા દિવસે ટેક હોમ રાશનના ચાર પેકેટ, આયર્ન ફોલિક એસિડ, કૃમિનાશકની ગોળીઓ અપાય છે
દર ત્રણ મહિને હિમોગ્લોબીનના સ્તરની કરાય છે ચકાસણી
યોજના અંતર્ગત ૧૬ થી ૧૮ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને આત્મનિર્ભર બનાવવા માટે તેમને વ્યવસાયિક તાલીમ અપાય છે
ગુજરાતના બાળકો, કિશોરીઓ અને માતાઓના આરોગ્ય અને પોષણને સુધારવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું એટલે વર્ષ ૨૦૧૮માં શરૂ થયેલી “પૂર્ણા”-PURNA – પ્રીવેન્સન ઓફ અન્ડર ન્યુટ્રીશન એન્ડ રીડક્શન ઈન ન્યુટ્રીશનલ એનીમીયા યોજના. આ યોજના હેઠળ રાજ્યની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ લાભ મેળવી સુપોષિત બની રહી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ આ યોજના કિશોરીઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેમાં ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી અને ન જતી તમામ કિશોરીઓનો સમાવેશ થાય છે. આર્થિક રીતે નબળા વર્ગની કિશોરીઓ માટે આ યોજના આશાનું કિરણ બની છે.
પૂર્ણા યોજના ગુજરાતના ભવિષ્યને વધુ સ્વસ્થ અને સશક્ત બનાવવાનો એક મજબૂત પાયો સાબિત થઈ રહી છે. આ યોજના માત્ર કિશોરીઓની પોષણની ઉણપને દૂર કરવા પૂરતી સીમિત નથી આ યોજના કિશોરીઓને જીવનના પડકારોનો સામનો કરવા માટે પણ સશક્ત બનાવે છે.
પોષણ સંબંધિત સેવાઓ:
પૂર્ણા યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રોમાં મહિનાના ચોથા મંગળવારે “પૂર્ણા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે કિશોરીઓને પૂર્ણા શક્તિ THRના ચાર પેકેટ આપવામાં આવે છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગના સહયોગથી તેમને વિનામૂલ્યે આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવે છે. તેમનું દર ત્રણ મહિને હિમોગ્લોબીનનું સ્તર તપાસવામાં આવે છે. વર્ષમાં બે વાર ઓગસ્ટ અને ફેબ્રુઆરી મહિનામાં તેમને કૃમિનાશક ગોળીઓ પણ આપવામાં આવે છે. પોષણની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે આંગણવાડી કેન્દ્રોમાં કિશોરીઓનું વજન અને ઊંચાઈ નિયમિત રીતે માપીને બોડી માસ ઈન્ડેક્સ પણ માપવામાં આવે છે.
પોષણ ઉપરાંતની સેવાઓ:
પૂર્ણા યોજના કિશોરીઓના સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ પર ભાર મૂકે છે. તેમનામાં આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા કેળવવા માટે દર મહિનાના ચોથા મંગળવારે જીવન કૌશલ્યની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત, તેમને જાહેર સ્થળોની મુલાકાત પણ કરાવવામાં આવે છે. ૧૬ થી ૧૮ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને આત્મનિર્ભર બનાવવા માટે તેમને વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે.
આંગણવાડીમાં નિયમિત મમતા દિવસ દરમિયાન તેમની આરોગ્ય તપાસ કરવામાં આવે છે અને જરૂર પડ્યે તેમને મફત સારવાર માટે રીફર પણ કરવામાં આવે છે. શાળાએ ન જતી કિશોરીઓનું શિક્ષણ ચાલુ રહી શકે તે માટે આ યોજના હેઠળ તેમને પુનઃશાળા પ્રવેશ માટે પણ પ્રોત્સાહિત કરાય છે. આ યોજના થકી અનેક કિશોરીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આ માટે, વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૩૩૫.૪૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે જે ગુજરાત સરકારની આ યોજના પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
