
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર બિનઆદિવાસી લોકોને બોગસ રીતે બનાવીને આપવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરીને એ બોગસ આદિવાસીઓ શિક્ષણમાં, નોકરીમાં અને કેટલાક તો રાજકીય રીતે પણ લાભ લઇ રહ્યા છે, તો આ મુદ્દો અમે વિધાનસભામાં દાખલ કર્યો અને એની ચર્ચા થઈ. ગુજરાત સરકારની કાર્ય સમિતિના અહેવાલ મુજબ ગીર બરડા આલેછના નેસમાં રહેતા 21913 જેટલા રબારી ભરવાડ ચારણને વિશ્લેષણ સમિતિ દ્વારા માન્યતા આપ્યા બાદ તેમને એસટીના લાભ મળવા પાત્ર છે,તે સિવાય બાકીના 56000 બોગસ એસટીના જાતિના પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા આરબીસીને આપવામાં આવ્યા છે તે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેની અમે માંગ કરી છે. રદ કરવાની સાથે સાથે એ લોકો જે પણ લાભો લઈ રહ્યા છે એ લાભો પણ પરત લેવામાં આવે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેની અમે રજૂઆત કરી છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, સાથે સાથે ગીર બરડા આલેછના નેસમાં રહેતા હોય એ સિવાયના રબારી ચારણ ભરવાડ કે બીજા કાસ્ટના લોકો પણ તેમનો સમાવેશ અનુસૂચિત જનજાતિની યાદીમાં થઈ ગયો છે એમને દૂર કરવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને ત્રણ વર્ષ પહેલાં દરખાસ્ત મોકલી હતી પણ દરખાસ્તને આજ સુધી મંજૂરી મળી નથી. અમે સરકારને કહ્યું કે આ દરખાસ્તને પૂર્ણ કરવા માટે બાકી રહેતી કાર્યવાહી કરવામાં આવે અને કેન્દ્ર સરકારને તાકીદ કરે એની પણ અમે માંગ કરી છે. સાથે સાથે ખોટા જાતિના પ્રમાણપત્ર રદ કરવા માટે જે પણ કાયદાઓ બન્યા છે એમાં 2018, 2020, 2022નો સુધારો હોય તેનો વિશ્લેષણ સમિતિ દ્વારા તાકીદે તેનો ઉપયોગ કરીને ખોટા લોકો જે પ્રમાણપત્રના ઉપયોગ કરી રહ્યા છે, તેને દૂર કરવામાં આવે. ચાહે એ રાજનીતિમાં હોય, શિક્ષણમાં હોય કે નોકરીઓમાં હોય તે લાભો પાછા લઈ લેવા માટે અમે માંગ કરી છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ગ 3ની જે ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીઓ થાય છે, એમાં હાલમાં 2023માં ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડીને 40% માર્કનો કટ આઉટ રેશિયો નક્કી કરવામાં આવ્યો છે તો એ પરિપત્ર રદ કરીને કટ આઉટ રેશિયો રદ કરવામાં આવે એવી પણ અમે માંગ કરી છે, કારણ કે 40% કટ આઉટ રેશિયોના કારણે આદિવાસી લોકો માટે જે સીટો અનામત રાખવામાં આવી છે, એ સીટો ભરાતી નથી તો એ સીટોનો લાભ આદિવાસી લોકોને મળતો તો આ કટ આઉટ રેસીયો દૂર કરવામાં આવે એવી અમે માંગ કરી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં જણાવ્યું છે કે “સરકાર પણ સંવેદનશીલ છે અને આ પ્રશ્ન પણ જૂનો અને સંવેદનશીલ છે” તો ગુજરાત સરકાર સત્વરે આનું નિરાકરણ લાવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ.




