
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
ભારતીય લોકશાહીમાં પારદર્શિતા એ કોઈ પક્ષની માંગ નથી પરંતુ તે જનતાનો અધિકાર છે. ચૂંટણી પંચની સ્વતંત્રતા જેટલી જરૂરી છે, તેની જવાબદેયિતા પણ એટલી જ જરૂરી છે. પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે સંસ્થા નબળી પડતી નથી, પ્રશ્નોના જવાબ ન મળે ત્યારે વિશ્વાસ નબળો પડે છે. આથી ચૂંટણી પંચે હવે આ સમગ્ર વિવાદનો જવાબ નિવેદનોથી નહીં પરંતુ દસ્તાવેજો, આંકડા અને પારદર્શક પ્રક્રિયાથી આપવો જોઈએ.
કેટલા નામો કાઢવામાં આવ્યા, કેટલા પાછા ઉમેરાયા, કેટલા કેસ બાકી છે, નામ કાપવાના કારણો શું હતા અને અપીલોનો નિકાલ કેટલા સમયમાં થયો- આ માહિતી જનતાની સામે આવવી જોઈએ. કારણ કે, ચૂંટણી માત્ર મતદાનના દિવસે થતી ઘટના નથી. ચૂંટણી મતદાર યાદીથી શરૂ થાય છે. જો મતદાર યાદીમાં જ કોઈ લાયક નાગરિકનું નામ ન હોય, તો મતદાન કેન્દ્ર સુધી પહોંચવાનો તેનો અધિકાર કાગળ પર જ રહી જાય છે.
લોકશાહીની સાચી કસોટી એ નથી કે ચૂંટણી કોણ જીત્યું, સાચી કસોટી એ છે કે દરેક પાત્ર નાગરિકને પોતાનો મત આપવાનો અધિકાર નિષ્પક્ષ રીતે મળ્યો કે નહીં ? અને આ પ્રશ્નનો જવાબ મુસ્લિમ હોય કે હિન્દુ દરેક મતદાર માટે એકસરખો હોવો જોઈએ. કારણ કે, મતદાર યાદી કોઈ એક સમુદાયની નથી. તે ભારતના લોકશાહી નાગરિકત્વનું દર્પણ છે.
જો કોઈ મુસ્લિમ મતદારને પોતાના નામ અંગે શંકા હોય, તો ચૂંટણી પંચે તેને ભય નહીં, વિશ્વાસ આપવો જોઈએ અને જો કોઈ મુસ્લિમ મતદારનું નામ નિયમસર કાઢવામાં આવ્યું હોય, તો તેનું કારણ પણ એટલી જ સ્પષ્ટતાથી જણાવવું જોઈએ. સરકારો આવે અને જાય છે, પક્ષો સત્તામાં આવે છે અને વિપક્ષમાં બેસે છે, નેતાઓ બદલાય છે, પરંતુ ચૂંટણી પ્રક્રિયા અંગે જનતાનો વિશ્વાસ અડગ રહે તે લોકશાહીની મૂળભૂત શરત છે.




