
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારતમાં જે રીતે મોંઘવારી માઝા મૂકી રહી છે, ત્યારે બે-પાંચ કે સાત રૂપિયાનો વધારો દેખીતી રીતે મોટો લાગતો નથી પણ રોજીંદી વસ્તુઓનું ટોટલ મહિને આકરું પડે છે. કારણ કે આપણે કહીએ છીએ કે માત્ર પાંચ જ રૂપિયા વધ્યા છે ને? બે રૂપિયામાં શું મોટું આભ તૂટી પડવાનું હતું? ચાના એક કપ જેટલો જતો આ દૈનિક વધારો છે.
જ્યારે સરકારી પક્ષના પ્રવક્તાઓ, ટીવી સ્ટુડિયોના આર્થિક વિશ્લેષકો અને કોર્પોરેટ જગતના નીતિ નિર્માતાઓ જ્યારે આપણો તર્ક આપે છે ત્યારે તેઓ સામાન્ય ભારતીય પરિવારની વાસ્તવિકતાથી ઘણાં જ દૂર હોય છે. સવારની ચાથી લઈને રાતના ભોજન સુધી, ઘરથી ઓફિસ જવા સુધી અને બાળકોના ભણતર સુધી આજે દરેક સામાન્ય માણસના જીવનનો લગભગ દરેક ભાગ મોંઘવારીના હિસાબ-કિતાબમાં જ પસાર થઈ રહ્યો છે. કોઈ વસ્તુના ભાવમાં પરચૂરણ નો વધારો પહેલી નજરે બહુ નાનો આંકડો લાગે છે અને સામાન્ય વધારો કહીને તેને સરળતાથી અવગણી દેવામાં આવે છે.
પરંતુ પ્રશ્ન એ છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં વસ્તુઓ સસ્તી થાય છે ત્યારે તેનો લાભ સામાન્ય નાગરિક સુધી કેમ પહોંચાડવામાં આવતો નથી? જ્યારે ક્રૂડ ઓઇલ સસ્તું થાય છે, ત્યારે ભાવ ઘટાડવાને બદલે સરકાર ડ્યૂટી વધારી દે છે, જ્યારે ક્રૂડ મોંઘુ થાય છે, ત્યારે તરત જ વૈશ્વિક સંકટનું લેબલ લગાવીને બોજ પ્રજાના માથે નાખી દેવાય છે. આ અન્યાયી નીતિનો ભોગ આખરે આમ આદમી જ બને છે.
આમ સરકારની નબળી નીતિઓ અને અવિચારી પગલાંને કારણે દેશનો મધ્યમવર્ગ પિસાાઈ રહ્યો છે. મધ્યમવર્ગ ગરીબ નથી કે અતિ-ધનાઢ્ય પણ નથી એટલે તેઓ પોતાની આવકને કન્સલ્ટિંગ કે કંપની ખર્ચ કે ટેક્સ હેવનમાં છુપાવી શકતા નથી. બીજી તરફ તેમનો પગાર નિશ્ચિત છે, આવક સ્ત્રોત એક જ છે અને બીજી તરફ નોકરી જતાં મધ્યમવર્ગ પરિવારો સતત વધતા ખર્ચને પહોંચી વળવા માટે પેટે પાટા બાંધીને જીવવા મજબૂર થાય છે. જ્યારે બીજી તરફ વાસ્તવિક મોંઘવારીનો દર સત્તાવાર આંકડા કરતાં ક્યાંય વધુ, લગભગ ૧૦% થી ૧૨% ની આસપાસ હોય છે. પરિણામે પગારદાર વર્ગની વાસ્તવિક આવક દર વર્ષે વધવાને બદલે ઘટી રહી છે. ગઈકાલે જે જીવનધોરણ રૂ. ૩૦,૦૦૦ માં જળવાતું હતું, આજે તે જ જીવનધોરણ જાળવવા રૂ. ૩૮,૦૦૦ જોઈએ. જ્યારે આવક વધતી નથી ત્યારે પરિવાર ખર્ચ પર કાપ મૂકે છે. આમ આર્થિક નિષ્ણાતો જે ફુગાવો કહે છે એ મધ્યમવર્ગ માટે આર્થિક કટોકટી" છે.




