
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત
એક ચેનલના મીડિયા કર્મીની મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરે ફેંટ પકડી અને ધક્કો મારી દૂર હડસેલી દીધો. એ કેમેરામેન કંઈ ગુંડાગીરી કરવા ગયો ન હતો, એ રિપોર્ટિંગ કરવા ને અધિકૃત જાણકારી મેળવવા ગયો હતો. આવું એક ચેનલ સાથે જ થાય છે, એવું નથી, આ તો રોજનું છે. પુરુષ પોલીસ અધિકારીઓ તો મનસ્વી રીતે વર્તે જ છે, પણ હવે મહિલા પોલીસ અધિકારીઓ પણ ગમે તેને ધક્કો મારીને દૂર હડસેલી શકે છે.
આમ મહિલાઓનું વર્તન આવું આક્રમક થયું છે તે કદાચ સ્ત્રી સશક્તિકરણનું વધતું ઉદાહરણ છે. આમ વર્તવાનું પોલીસ અધિકારીઓને શીખવાડવામાં આવે છે કે તમને મનસ્વી રીતે કોઈને પણ માર મારવાનો પરવાનો મળેલો છે, તે નથી ખબર, પણ પોલીસ માત્રનું વર્તન અણછાજતું ન હોવું જોઇએ. એ ખરું કે કાયદો ને વ્યવસ્થા જાળવવામાં મહિલા પોલીસનું યોગદાન ઓછા મહત્વનું નથી. એ પણ છે કે મહિલા પોલીસ અધિકારીઓએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વધારે નહિ તો અહીં નિવૃત્ત આઈપીએસ કિરણ બેદીને યાદ કરી શકાય.
એ પણ સાચું છે કે પોલીસને પણ ઉપરી અધિકારીઓનું દબાણ હોય છે, અરે! ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ રાજકીય ને વ્યવસાયિક દબાણ હેઠળ કામ કરતાં હોય છે. સ્વાભાવિક છે કે જનતા વિરોધ વખતે સંયમ રાખવાનું મુશ્કેલ બનતું હોય ને પોલીસનો હાથ ઉપડી જતો હોય.
એ વખતે સામે કોણ છે એ જોવાતું નથી. જોવાનું એટલું જ હોય છે કે પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય. એમાં ક્યારેક એવું પણ બને છે કે જનતાના હુમલાઓનો ભોગ બનવાનું પણ પોલીસને આવે છે. એ સમયે પોતાની જાતને બચાવવા પણ પોલીસને હિંસા અનિવાર્ય થઈ પડે છે.
જો માત્ર મહિલા પોલીસની જ વાત કરીએ તો તેમની જવાબદારીઓ વધુ હોય છે. પોલીસની ફરજ ઉપરાંત તેમને ઘરકામ અને બાળઉછેરની જવાબદારીઓ પણ કાયમી ધોરણે વળગેલી હોય છે. આથી આજકાલ બધે જ આક્રમકતા કેન્દ્રમાં આવી ગઈ છે. ત્યારે પોલીસ પણ એમાંથી બાકાત કેવી રીતે રહી શકે?




