
રાજ્યમાં ચાલુ વર્ષે કપાસ અને મગફળી પાકનું સૌથી વધુ ૨૦-૨૦ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર
મગફળીના વાવેતરમાં પ્રતિવર્ષ સતત વધારો; ગત વર્ષની સરખામણીએ વાવેતર વિસ્તારમાં ૧૫ ટકાનો વધારો નોંધાયો
-
રાજ્યમાં ચાલુ સિઝનમાં તેલીબીયા પાકોનું કુલ ૨૪.૨૫ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું
-
ધાન્ય પાકોનું ૯.૭૯ લાખ હેક્ટર અને કઠોળ પાકોનું ૨.૫૨ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર
-
ઘાસચારાનું અત્યાર સુધીમાં ૬.૪૬ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર કરાયું

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે રાજ્યમાં ખરીફ વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૩ ટકા નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે, તેવી મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી.
કૃષિ મંત્રીશ્રીએ ચાલુ ખરીફ સિઝન દરમિયાન ૩૦ જુલાઈ સુધીમાં થયેલા વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખરીફ પાકોનું સારું વાવેતર જોવા મળ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે ૬૬ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. છેલ્લા ૩ વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં થયેલા કુલ ૮૫ લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૭૭ ટકાથી વધુ વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.
મંત્રી શ્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, મગફળી અને કપાસના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં સૌથી વધુ કપાસનું અને ત્યારબાદ મગફળીનું પુષ્કળ વાવેતર અને ઉત્પાદન થાય છે. આ વર્ષે કપાસ અને મગફળીનું રાજ્યના ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં આશરે ૨૦ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને ૨૦ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.





