
તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી બાદ એલર્ટ જાપાનમાં ૭.૧ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો રિંગ ઓફ ફાયર‘ પર સ્થિત જાપાનમાં સતત વધી રહેલી ભૂકંપીય ગતિવિધિ વચ્ચે તંત્ર હાઈ એલર્ટ પર, લોકોને સાવચેતી રાખવાની અપીલ જાપાનના દક્ષિણ ભાગમાં આવેલા ક્યુશુ ટાપુના કુમામોટો પ્રીફેક્ચરમાં મંગળવારે ૭.૧ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. જાપાન મેટિયોરોલોજિકલ એજન્સી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સમુદ્ર સપાટીથી અંદાજે ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપના આંચકા બાદ તટીય વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેના પગલે સ્થાનિક તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં લગભગ ૧ મીટર સુધીની સુનામી લહેરો આવવાની સંભાવના છે. આથી કુમામોટો, નાગાસાકી, કાગોશિમા, ફુકુઓકા, સાગા, ઓઇતા અને મિયાઝાકી સહિતના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક ઊંચાણવાળા અને સુરક્ષિત સ્થળોએ ખસી જવા સૂચના આપવામાં આવી છે. બચાવ એજન્સીઓ અને સ્થાનિક પ્રશાસન દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.ભૂકંપ બાદ કેટલાક વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જાેકે પ્રાથમિક અહેવાલો મુજબ મોટા પાયે જાનહાનિ અથવા વ્યાપક નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. તંત્રે લોકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
જાપાન છેલ્લા કેટલાક દિવસોમાં સતત ભૂકંપના આંચકાઓનો સામનો કરી રહ્યું છે. એક અઠવાડિયામાં આ બીજી મોટી ભૂકંપીય ઘટના છે. અગાઉ પણ ઉત્તર જાપાનમાં શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો, જેમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી.
જાપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપ સંવેદનશીલ દેશોમાં સામેલ છે. દેશ પેસિફિકના “રિંગ ઓફ ફાયર” વિસ્તારમાં સ્થિત હોવાથી અહીં ચાર મુખ્ય ટેક્ટોનિક પ્લેટ્સ સતત સક્રિય રહે છે. પરિણામે દર વર્ષે સેંકડો નાના-મોટા ભૂકંપ નોંધાય છે અને વિશ્વના કુલ ભૂકંપોમાંથી આશરે ૧૮ ટકા જાપાનમાં આવે છે.
૨૦૧૧માં આવેલા ૯.૦ની તીવ્રતાના વિનાશક ભૂકંપ અને સુનામીએ જાપાનમાં ભારે તબાહી મચાવી હતી. તે દુર્ઘટનામાં આશરે ૧૮,૫૦૦ લોકોનાં મોત થયા હતા અથવા તેઓ લાપતા બન્યા હતા, જ્યારે ફુકુશિમા પરમાણુ પ્લાન્ટને પણ ગંભીર નુકસાન પહોંચ્યું હતું. તે અનુભવને ધ્યાનમાં રાખીને જાપાને આજે વિશ્વની સૌથી અદ્યતન ભૂકંપ અને સુનામી ચેતવણી પ્રણાલીઓ વિકસાવી છે.




