
૨૬ ટીમો દ્વારા પાંચમી વાર્ષિક ગણતરી સંપન્ન થઈ.પોરબંદરમાં પક્ષી-ગણતરી : ૨૪૯ પ્રજાતિનાં ૪ લાખથી વધુ પક્ષી નોંધાયાં.પ્રજાતિઓની વિવિધતાની દ્રષ્ટિએ બરડાસાગર ડેમ મોખરે રહ્યો છે, જ્યાં ૧૪૭ જેટલી અલગ અલગ પ્રજાતિઓ જાેવા મળી હતી.પોરબંદરના જલપ્લાવિત વિસ્તારોમાં યોજાયેલી પાંચમી વાર્ષિક પક્ષી ગણતરીમાં કુલ ૨૪૯ પ્રજાતિના ૪,૦૫,૭૦૨ પક્ષીઓની નોંધણી કરવામાં આવી છે. બર્ડ કંઝરવેશન સોસાયટી ગુજરાત દ્વારા નિરમા લિમિટેડ અને વન વિભાગના સહયોગથી ૩૧ જાન્યુઆરી અને ૧લી ફેબ્રુઆરી દરમિયાન કરાયેલી ગણતરીમાં સૌથી વધુ પક્ષીઓ મોકાર સાગર અને બરડાસાગર ડેમ વિસ્તારમાં જાેવા મળ્યા છે.આ ગણતરી અભિયાનમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી આવેલા ૧૦૦ જેટલા પક્ષીપ્રેમીઓ જાેડાયા હતા. આ તમામ સભ્યોને ૨૬ અલગ અલગ ટીમોમાં વિભાજિત કરીને જિલ્લાના વિવિધ જળાશયો અને વિસ્તારોમાં મોકલવામાં આવ્યા હતા. પક્ષી ગણતરીના આંકડા મુજબ નોંધાયેલા કુલ પક્ષીઓમાંથી ૩,૨૨,૬૫૪ જળચર પક્ષીઓ છે.
વિસ્તારો મુજબ જાેઈએ તો મોકાર સાગર વિસ્તારમાં ૧,૫૯,૮૦૫ પક્ષીઓ સાથે સૌથી વધુ જમાવડો જાેવા મળ્યો હતો, જ્યારે બરડાસાગર ડેમ ખાતે ૮૩,૬૪૧ પક્ષીઓ નોંધાયા હતા. આ પૈકી મોકાર સાગરમાં ૫૦૧૪૪ બતક અને હંસની હાજરી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.પ્રજાતિઓની વિવિધતાની દ્રષ્ટિએ બરડાસાગર ડેમ મોખરે રહ્યો છે, જ્યાં ૧૪૭ જેટલી અલગ અલગ પ્રજાતિઓ જાેવા મળી હતી. તેની સામે મોકાર સાગરમાં ૧૪૨ પ્રજાતિઓ નોંધાયા છે.




