
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ગુજરાત લેન્ડ ગ્રેબીંગ પ્રતિબંધ કાયદાનો મુખ્ય ઉદ્દેશ જમીન / મિલકત પચાવી પાડવા માટે કયા પ્રકારના આચરણ થાય છે અને જમીન પચાવી પાડવી અને જમીન પચાવી પાડનાર અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવેલ આજના સમયમાં જે પ્રકારે દરેક ક્ષેત્રમાં નૈતિકતા / નિતીમત્તાની ઉપેક્ષા થતી જોવા મળે છે, અને તેના ભાગરૂપે જમીન / મિલકત આર્થિક વ્યવહારો માટેનું અગત્યનું સાધન હોવાથી ખોટા આચરણો અનુસરીને જમીન અને મિલકત પચાવી પાડવાના કિસ્સાઓ વધતા જાય છે અને વિધમાન કાયદાઓને નિષ્ફળ બનાવવાના કિસ્સાઓનું અનુસરણ કરવામાં આવે છે.એ છે.
જેથી ખાસ કાયદાઓ ઘડવામાં આવે છે. પરંતુ તેના અમલીકરણનો મોટો પ્રશ્નાર્થ છે. આ કાયદા અંતર્ગત સરકારે નિયમો બનાવી કલેકટરના અધ્યક્ષ સ્થાને સમિતિ બનાવવામાં આવી છે જેમાં જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલીસ અધિકારી (પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ) અને અધિક કલેકટર (RAC) સભ્ય સચિવ છે.
આ કાયદા હેઠળ જેની મિલ્કત / જમીન પચાવી પાડવાનો બનાવ બન્યો હોય તે વ્યક્તિએ નિયત નમુનામાં જીલ્લા કલેકટર સમક્ષ અરજી કરવાની છે અને આ અરજીની તપાસ સબંધિત વિસ્તારના પ્રાન્ત અધિકારી મારફત સમય મર્યાદામાં કરવાની હોય છે. આ અંગે વિશેષ તપાસની જરૂર જણાય તો સમિતિ કોઈપણ અધિકારી, પોલીસ વિભાગ સહિતને તપાસ સુપ્રત કરી શકે છે. એક તબક્કે એવી પણ જોગવાઈ છે કે જીલ્લા કલેકટર કોઈપણ અરજી ઉપર ધ્યાન ન આપે તો પક્ષકાર સીધેસીધા સબંધિત સ્પેશ્યલ કોર્ટ સમક્ષ પણ રજુઆત કરી શકે છે અને કોર્ટ સમય મર્યાદામાં તે અંગે સુઓ મોટો તપાસ કરાવી પગલાં લઈ શકે છે.
આમ આજના સમયમાં જે આચરણ થઈ રહ્યું છે તેમાં મોટાભાગે બોગસ દસ્તાવેજો / બનાવટી બાનાખત / બનાવટી પાવર ઓફ એટર્ની, હિત ધરાવતા પક્ષકારોની ખોટી સહી કરવી / મહેસુલી રેકર્ડમાંથી નામ કમી કરવું, જાહેર ટ્રસ્ટોમાંથી તેઓએ ધારણ કરેલ જમીનમાં ટ્રસ્ટીઓ તરીકે દાખલ થઈ જમીનો કબજે કરી લેવી એટલે કે પરોક્ષ રીતે ટ્રસ્ટોનું વેચાણ / તબદીલી, સરકારી / ખાનગી જમીન ઉપર ખોટી રીતે ભાડાપટ્ટે આપી ભાડા ઉઘરાવવા, આ ઉપરાંત સરકારી / ગૌચર / સ્થાનિક સત્તા મંડળો / ગ્રામ પંચાયત / નગરપાલિકા / મહાનગરપાલિકા / જાહેર ટ્રસ્ટો / ધાર્મિક સ્થાનો વિગેરે એ ધારણ કરેલ જમીનો પચાવી પાડવા અને તેના ઉપર દબાણ કરવાના કિસ્સાઓનો સમાવેશ થાય છે.
ત્યારે આ કાયદાની જે વિશિષ્ટ જોગવાઈ છે તે પરત્વે સૌ વાંચકો અને હિત ધરાવતા પક્ષકારોનું ધ્યાન દોરવાનું કે આ કાયદામાં પોલીસની સત્તાઓ નિયંત્રિત કરવામાં આવી છે. ફોજદારી કાર્યરીતી અધિનિયમમાં કોઈપણ જોગવાઈ હોય તેમ છતાં આ કાયદા હેઠળ જમીન પચાવી પાડવા બાબતની કોઈપણ માહિતી અથવા ગુન્હો સરકાર દ્વારા જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને રચાયેલ સમિતિના સ્પષ્ટ આદેશો સિવાય અથવા પરામર્શ કર્યા સિવાય અને જીલ્લા કલેકટરની પૂર્વ મંજૂરી વગર પોલીસ અધિકારી દ્વારા ફરિયાદ નોંધી શકાશે નહિ.
છેલ્લે આ કાયદામાં જે ફરિયાદો થાય તેનો છ માસમાં નિકાલ કરવા માટે સ્પેશ્યલ કોર્ટની રચના કરવાની જોગવાઈ છે. એ જોતા ગુજરાત લેન્ડ ગ્રેબીંગ પ્રતિબંધક ધારો – ૨૦૨૦ ના અમલીકરણની કોઈ અસર હાલ તો વર્તાતી નથી.




