
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર ભારતમાં એલપીજી ગેસનું સંકટ ગંભીર બનતું જઈ રહ્યું છે. મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, બેંગ્લોર સહિત દેશના અનેક શહેરોમાં ઔદ્યોગિક એકમો પર પણ તેની અસર જોવા મળી રહી છે. તેના કારણે કરોડો લોકોના જીવન પર ખરાબ અસર પડી રહી છે અને રોજગાર પર પણ અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે સરકાર આગોતરા આયોજન કરવામાં નિષ્ફળ ગઈ છે. જેના કારણે આજે દેશના અનેક વિસ્તારોમાં ગેસ સિલિન્ડરની કાળાબજારી વધી રહી છે. આ સમગ્ર મુદ્દાને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સરકાર સામે ગેસ સંકટ મુદ્દે કડક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને સામાન્ય લોકોને તાત્કાલિક રાહત મળે તે માટે સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીની માંગ છે કે હાલ દેશના લોકોને કોઈ તકલીફ ન પડે અને સંકટનો લાભ લઈને કોઈ વચેટીયા કે મળતીયાઓ સામાન્ય લોકોનો અધિકાર ન છીનવી લે એ માટે ગેસ વિતરણની સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવવામાં આવે. જો ક્યાંય પણ ગેસ પુરવઠાની કાળાબજારી થતી હોય તો તેને તાત્કાલિક રોકવામાં આવે અને ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. દેશના અનેક વિસ્તારોમાં ગેસ સિલિન્ડરના ભાવ ડબલથી પણ વધુ વધી ગયા છે. આ વધેલા ભાવોને નિયંત્રિત કરવા માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી આમ આદમી પાર્ટીની માંગ છે.





