
૧.૧ કરોડનું રાખવામાં આવ્યું હતું ઈનામ.હિડમા બાદ કુખ્યાત નક્સલી ગણેશ ઉઇકે ઠાર.ગણેશ ઉઇકે સીપીઆઈની સેન્ટ્રલ કમિટીનો સભ્ય હતો.ઓડિશાના કંધમાલ જિલ્લામાં કુખ્યાત નક્સલી કમાન્ડર ગણેશ ઉઇકેને ઠાર કરાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે તે તેના પર ૧.૧ કરોડ રૂપિયાનું ઈનામ હતું. ઓડિશામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં તે માર્યો ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુદ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર, ગણેશ ઉઇકે સીપીઆઈ (માઓવાદી)ની સેન્ટ્રલ કમિટીનો સભ્ય હતો. તેના પર કુલ ૧.૧ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેનું મોત નક્સલવાદ વિરુદ્ધના અભિયાનમાં એક મોટી સફળતા ગણાય છે. આ પહેલાં કંધમાલ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં એક મહિલા કેડર સહિત ત્રણ નક્સલીઓ માર્યા ગયા હોવાની માહિતી મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે પણ આ જ વિસ્તારમાં બે નક્સલીઓ માર્યા ગયા હતા. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને જાણકારી આપી કે ઉઇકે પણ માર્યો ગયો છે. આ રીતે છેલ્લા બે દિવસમાં કુલ ૬ નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. ગુરુવારે વહેલી સવારે બેલઘર પોલીસ સ્ટેશન વિસ્તારના ગુમ્મા જંગલમાં ફાયરિંગ થયું હતું. એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બંને નક્સલી પુરુષોની ઓળખ બારી ઉર્ફે રાકેશ અને અમૃત તરીકે થઈ છે. બંને છત્તીસગઢના રહેવાસી હતા. તેમના પર કુલ ૨૩.૬૫ લાખ રૂપિયાનું ઇનામ હતું.
અધિકારીએ જણાવ્યું કે, એક મહિલા કેડરનો મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ તેની ઓળખ હજુ થઈ નથી. એક ગુપ્ત માહિતીના આધારે ઓડિશા પોલીસની એસઓજી (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ)ની એક નાની મોબાઇલ ટીમે જંગલમાં તલાશી અભિયાન ચલાવ્યું હતું, જ્યાં તેમનો નક્સલીઓ સાથે સામનો થયો. તેમણે કહ્યું કે, “તેમની વચ્ચે અંધાધૂધ ફાયરિંગ થયું, જેના પરિણામે નક્સલીઓ માર્યા ગયા.”
ગણેશ ઉઈકે સહિતના આતંકીના એન્કાઉન્ટર મામલે કેન્દ્રીય ગૃહમંત્રીએ ઠ પર પોસ્ટમાં આ સફળતાને નક્સલમુક્ત ભારતની દિશામાં એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘ઓડિસામાં નક્સલવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો છે, આ મોટી સફળતા સાથે ઓડિશા નક્સલવાદના સંપૂર્ણ નાબૂદીના આરે છે. અમે ૩૧ માર્ચ, ૨૦૨૬ પહેલા નક્સલવાદને નાબૂદ કરવા માટે કટિબદ્ધ છીએ.. ‘
આ દરમિયાન, ઓડિશામાં નક્સલ વિરોધી કામગીરીનું નેતૃત્વ કરી રહેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, નક્સલ ટીમ અને સીપીઆઈ (માઓવાદી) સેન્ટ્રલ કમિટીના સભ્ય ઉઈકે વચ્ચે ચાકપાડ પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલમાં એન્કાઉન્ટર થયું હતું. ઓડિશામાં પ્રતિબંધિત સંગઠનના વડા તરીકે કાર્યરત ગણેશ ઉઈકે પર રૂ.૧.૧ કરોડનું ઈનામ હતું. ૬૯ વર્ષીય ગણેશ ઉઈકેના અનેક ઉપનામો હતા.




