
વિધાનસભા ગૃહમાં થયેલ પ્રશ્નોતરી મામલે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે 23મી માર્ચ 2026ના વિધાનસભા સત્રના દિવસે સવારે એક કલાકના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અલગ અલગ પ્રશ્નોમાં પૂર્વ પ્રશ્ન પૂછવાની મને તક મળી. આ તકના આધારે બે અતિ મહત્વના મુદ્દાઓ પર મેં વિધાનસભાના માધ્યમથી સરકાર સમક્ષ રજૂઆત મૂકી છે. એક મુદ્દો એ છે કે અમારી વિસાવદર વિધાનસભામાં પૂર્વ કેબિનેટ મંત્રી કનુભાઈ ભાલાળાના વતન ગામ કાલાવડમાં છેલ્લા પાંચ વર્ષથી ગ્રામ પંચાયતનું કામ અધરૂ પડ્યુ છે.
હું કલેક્ટરને મળ્યો, ડીઆરડીએને મળ્યો, ડીડીઓને મળ્યો અને તમામ સાથે ચર્ચા કરવા છતાં પણ પાંચ વર્ષથી કેબિનેટ મંત્રીના ગામમાં ગ્રામ પંચાયતનું મકાન નથી. આ બાબતે મેં આજે વિધાનસભાના માધ્યમથી મંત્રી સમક્ષ રજૂઆત કરી. મારા મત વિસ્તારના મોણિયા, લીમધરા, કાલાવડ સહિત અનેક ગામોમાં ગ્રામ પંચાયતનું મકાન નથી. તો તલાટી ક્યા બેસે ? આશા વર્કર બહેનો ક્યા બેસે ? જો 30 વર્ષથી સરકાર ચલાવ્યા પછી પણ કેબિનેટ મંત્રીના ગામમાં ગામ પંચાયતનું મકાન ન હોય, તો આખી સરકાર માટે એ શરમજનક બાબત છે. આ ઉપરાંત વિસાવદર તાલુકામાં તાલુકા પંચાયતનું પણ નવું મકાન નથી. હાલનું મકાન વર્ષો જૂનું અને જર્જરિત છે. કોઈ અકસ્માત થાય એ પહેલાં વિસાવદર તાલુકા પંચાયતનું નવું મકાન તાત્કાલિક બનાવવામાં આવે તેવી પણ મેં સરકારને વિનંતી કરી છે.




