
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભા ગૃહમાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયા સમક્ષ જણાવ્યું હતુ કે, આ સિવાય પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સાંતલપુર તાલુકા સંબંધિત મુદ્દો પણ ઉઠ્યો. થોડા સમય પહેલા હું સાંતલપુર વિસ્તારમાં ગયો હતો, ત્યારે સ્થાનિક આગેવાનો, ખેડુતો અને વડીલો સાથે મુલાકાત થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે સાંતલપુર તાલુકાની તમામ કચેરીઓ વારાહીમાં આવેલ છે. સાંતલપુરથી વારાહી જવા માટે લાંબો સમય લાગે છે અને લોકોને ભારે તકલીફ પડે છે.
તાલુકાનું નામ સાંતલપુર છે પરંતુ કચેરીઓ વારાહીમાં છે. સાંતલપુરના લોકોની લાંબા સમયથી માંગ છે કે સાંતલપુરને અલગ તાલુકો બનાવવામાં આવે જેથી લોકોનો સમય અને પૈસા બંને બચે અને કામ ઝડપથી થાય. આજે વિધાનસભામાં આ મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે મેં સરકારને પૂછ્યું કે સાંતલપુરને અલગ તાલુકો બનાવવા માટે શું આયોજન છે..? તેના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે જ્યાં જરૂર પડશે ત્યાં નવા તાલુકા બનાવવામાં આવશે અને સાંતલપુર બાબતે પણ વિચાર કરવામાં આવશે. હું મીડિયા મારફતે સરકારને વિનંતી કરું છું કે સાંતલપુરના લોકોને પડતી તકલીફને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સાંતલપુરને અલગ તાલુકો જાહેર કરવામાં આવે અને ત્યાં નવા મામલતદાર, ટીડીઓ અને પ્રાંત અધિકારીઓની નિમણૂક કરવામાં આવે.




