
ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ.સરકાર દ્વારા કોમર્શિયલ LPG ક્વોટામાં કરાયો વધારો.લોકો ખોટી અફવાઓને કારણે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો ન લગાવે તેવી વિનંતી કરવામાં આવી છે.રાજ્યમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત હોવાની ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે.
સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને વિતરણમાં કોઈ અવરોધ નથી. સાથોસાથ, હોટલ-રેસ્ટોરન્ટ અને ઉદ્યોગો માટે કોમર્શિયલ LPG જથ્થામાં પણ વધારો કરવાનો મોટો ર્નિણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની જાહેરાત અનુસાર, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે. ઈંધણના વિતરણ પર કોઈ પ્રતિબંધ કે રેશનિંગ નથી. લોકો ખોટી અફવાઓને કારણે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો ન લગાવે તેવી વિનંતી કરવામાં આવી છે. કિંમતોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથેની બેઠક બાદ સરકારે કોમર્શિયલ LPG સિલિન્ડરની ફાળવણીમાં ૧૦ ટકાથી વધારીને ૨૫ ટકા સુધીનો વધારો કર્યો છે. જે વિસ્તારોમાં હજુ PNG નેટવર્ક પહોંચ્યું નથી ત્યાં ફિશરીઝ ઇન્ડસ્ટ્રી, રેસ્ટોરન્ટ- ઢાબા, હોટલ ઇન્ડસ્ટ્રી, ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં ૨૫ ટકા, ડેરી ઇન્ડસ્ટ્રી ૭૦ ટકા અને હોસ્પિટલ્સ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦૦ ટકાની ફાળવણી નક્કી કરાઈ છે.
સરકારે શહેરી વિસ્તારોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ના જાેડાણો વધારવા પર ભાર મૂક્યો છે. અમદાવાદમાં હાલ ૧૨૦૦થી વધુ કોમર્શિયલ અને ૩.૫૦ લાખથી વધુ ડોમેસ્ટિક PNG જાેડાણો કાર્યરત છે. આગામી ૩ મહિનામાં વધુ ૯૦૦ સોસાયટીઓને PNG નેટવર્કમાં આવરી લેવાનું આયોજન છે. જે વિસ્તારોમાં PNG ઉપલબ્ધ છે, ત્યાં વપરાશકર્તાઓએ LPG કનેક્શન સરેન્ડર કરવા પડશે. નવા PNG જાેડાણ માટે CGD કંપનીઓ કામગીરી પૂર્ણ કરશે.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર કામગીરી ચાલી રહી છે. કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીઓને સૂચના અપાઈ છે કે કોઈ પણ સ્તરે સંગ્રહખોરી કે કાળાબજાર ન થાય.




