
શ્રેષ્ઠ લેખિકાનો એવોર્ડ મેળવનાર શિક્ષક
ગુજરાત વિશ્વકોષ ભવન ખાતે તા 22 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાત રાજ્યની બાલ સાહિત્ય અકાદમીનું વાર્ષિક અધિવેશન યોજાઈ ગયું. તેમાં વર્ષ 2023-2024માં પ્રકાશિત થયેલ બાલ સાહિત્યના પુસ્તકોમાંથી શ્રેષ્ઠ પુસ્તક પસંદ કરીને તેના લેખકોને એવોર્ડ આપવામાં આવ્યાં. જેમાં અર્વાચીન બાલસાહિત્યકાર તરીકે નામના મેળવનાર શ્રી નિકેતાબેન વ્યાસને તેમના હાસ્ય બાળવાર્તાઓના પુસ્તક ‘ગંગુના પરાક્રમો’ માટે કુસુમબેન ભુપેન્દ્રભાઈ દવે શ્રેષ્ઠ લેખિકા એવોર્ડથી શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યાં છે.
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ અને સમગ્ર શિક્ષા અભિયાન સાથે લેખક અને સમીક્ષક તરીકે કાર્યરત શ્રી નિકેતાબેન વ્યાસે ગુજરાતી શીખો ભાગ 1, ગુજરાતી શીખો ભાગ 2, ચિત્રવાર્તા શ્રેણી ભાગ 1 થી 10, સચિત્ર પ્રજ્ઞા વાંચનમાળા – તેમની અનોખી પદ્ધતિ દ્વારા ગુજરાતી શીખવવા માટેના શૈક્ષિણક પુસ્તકો બાળ સાહિત્યને આપ્યા છે. એ સિવાય તેમણે ગંગુના પરાક્રમો(હાસ્ય બાળવાર્તા), ચીકુ અને સાત જાદુગરણી (કિશોર સાહસકથા), સુગંધવાળી વીંટી(બાળવાર્તા), બિલ્લીનો ફોટો છપાયો ખોટો(બાળવાર્તા), બકાના ગતકડાં(હાસ્ય વ્યંગ કથા), નેશનલ હાઈવે( સસ્પેન્સ થ્રીલર નવલકથા) જેવા પુસ્તકો દ્વારા માતૃભાષાના પ્રચાર પ્રસારમાં અનોખું યોગદાન આપ્યું છે. ફૂલવાડી, બાલ સૃષ્ટિ, બાલ વર્લ્ડ, બાળ ભાસ્કર, ઝગમગ વગેરે અનેક બાળ સામયિકોમાં તેમની કૃતિઓ નિયમિત પ્રકાશિત થાય છે.
તેમના સાહિત્યિક પ્રદાન માટે તા 5 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણમંત્રીશ્રી રીવાબા જાડેજાના હાથે સાહિત્ય સાધના એવોર્ડથી સન્માનિત શ્રી નિકેતાબેન વ્યાસ હાલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની એલીસબ્રીજ શાળા નંબર 30માં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે.




