
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ!.સુરત સમિટમાં રૂા.૩,૫૩,૩૦૬ કરોડના એમઓયુ સાઈન કરાયા.૨.૮૨ લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર.સુરત ખાતે યોજાયેલી ૨ દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ દક્ષિણ ગુજરાતના આર્થિક વિકાસ માટે એક મોટો માઈલસ્ટોન સાબિત થઈ છે. આ ઐતિહાસિક સમિટમાં કુલ ૨,૭૯૨ જેટલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) સાઇન કરવામાં આવ્યા છે, જેના થકી દક્ષિણ ગુજરાતમાં રૂ.૩,૫૩,૩૦૬ કરોડના જંગી રોકાણની ખાતરી મળી છે. રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમના સમાપન સમારોહમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી ૩ વર્ષમાં આ પ્રોજેક્ટ્સ જમીન પર ઉતરતાની સાથે જ આ વિસ્તારના ૨.૮૨ લાખ યુવાનોને સીધી રોજગારી મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને માત્ર પાટનગર ગાંધીનગર પૂરતું સીમિત ન રાખતા તેને અલગ-અલગ ઝોન સુધી લઈ જવાનો સારો ર્નિણય લીધો છે. ઉત્તર ગુજરાત માટે મહેસાણામાં અને સૌરાષ્ટ્ર-કચ્છ માટે રાજકોટમાં સફળ સમિટ યોજાયા બાદ હવે સુરતમાં આ કાર્યક્રમ યોજાયો હતો. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ પ્રાદેશિક સમિટનો મુખ્ય હેતુ આપણા નાના વેપારીઓ અને ઉદ્યોગકારોને સીધી ગ્લોબલ તકો અપાવવાનો છે. છેલ્લા ૨ દિવસમાં દક્ષિણ ગુજરાતના સ્થાનિક વેપારીઓને અમેરિકા, કેનેડા, જાપાન, સિંગાપોર અને રવાન્ડા સહિત ૨૦ દેશોના પ્રતિનિધિઓ સાથે સીધી વાતચીત કરીને પોતાનો બિઝનેસ વધારવાની શાનદાર તક મળી છે.
સરકારની કામગીરીની દિશા સ્પષ્ટ કરતા સંઘવીએ એક બહુ જ મહત્વની વાત કહી કે, મોટાભાગે પહેલી હરોળમાં બેઠેલા મોટા ઉદ્યોગપતિઓ પાસે તો પહેલેથી જ સંસાધનો અને ગ્લોબલ પહોંચ હોય છે. પરંતુ સરકારની જવાબદારી છેલ્લી હરોળમાં બેઠેલા નાના ઉદ્યોગપતિના સપના પૂરા કરવાની છે. તેમણે ઉદ્યોગકારોને ખાતરી આપી હતી કે હવે સરકારી પ્રક્રિયાઓ વધુ ઝડપી અને સરળ બનશે. આગામી દિવસોમાં માત્ર નવા રોકાણકારોને જ નહીં, પરંતુ હયાત ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓ સાંભળવા અને તેના તાત્કાલિક નિરાકરણ માટે જવાબદાર અધિકારીઓ ઓપન ડોર (ખુલ્લા દરવાજે) બેઠકો પણ યોજશે.
આ સમિટનું બીજું એક સૌથી મોટું પાસું આદિવાસી વિસ્તારો અને મહિલા સશક્તિકરણને લગતું છે. ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભરૂચ અને સુરતના આંતરિયાળ ભાગોમાં પ્રદૂષણ ન ફેલાવે તેવા ઉદ્યોગો (ખાસ કરીને ગાર્મેન્ટ સેક્ટર) લઈ જવા માટે સરકાર આક્રમક રીતે કામ કરી રહી છે. સરકારનો ટાર્ગેટ છે કે આગામી ૨ વર્ષમાં આ વિસ્તારની ૨૫,૦૦૦ થી વધુ આદિવાસી મહિલાઓને ગાર્મેન્ટ ઉદ્યોગમાં સીધી નોકરી મળે. એટલું જ નહીં, નાના ગામડાંઓમાંથી આવતી આ મહિલાઓ સવારે આરામથી કામે જઈ શકે અને સાંજે સુરક્ષિત પોતાના ઘરે પાછી ફરી શકે, તે માટે સરકાર ખાસ અને સુરક્ષિત ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ ઊભી કરવા જઈ રહી છે.



