મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર જતી ટ્રેનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ અકસ્માત ગુજરાતના ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે થયો હતો. પશ્ચિમ એક્સપ્રેસના બીજા કોચમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ટ્રેનને આગ લાગતી જોઈને કેટલાક મુસાફરોએ પોતાનો જીવ બચાવવા ચાલતી ટ્રેનમાંથી કૂદી પડયા હતા. જો કે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી.
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. રેલવે અધિકારીએ જણાવ્યું કે મુંબઈ સેન્ટ્રલ-અમૃતસર વેસ્ટર્ન એક્સપ્રેસના જીએસ કોચ (એન્જિનમાંથી બીજા)માં આગ લાગી હતી. જેના કારણે અંકલેશ્વર-ભરૂચ સ્ટેશનો વચ્ચે 17:03 થી 17.35 વાગ્યા સુધી ટ્રેનને રોકી દેવામાં આવી હતી. જોકે, ટ્રેન 17:35 વાગ્યે સ્થળ પરથી રવાના થઈ હતી. આ અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી.
રેલવે અધિકારીએ જણાવ્યું કે આગ પાછળના કારણોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. જો કે, પ્રથમ દ્રષ્ટિએ શોર્ટ સર્કિટનો મામલો લાગે છે. અધિકારીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.