
ગઈકાલે ગુજરાત વિધાનસભાનું બજેટ રજૂ થયું હતું, ત્યારે ખેડૂતોને બજેટમાં ખાસ કોઈ રાહત પેકેજની જાહેરાત ના થતા અને અન્યાયની લાગણી અનુભવતા આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા આજે ટ્રેક્ટર લઈને વિરોધ દર્શાવવા વિધાનસભા પહોંચ્યા હતા. ગતરોજ સરકારે જે બજેટ રજૂ કર્યું તેમાં ગામડા અને શહેરના બજેટમાં મોટો તફાવત છે તથા બજેટમાં ખેડૂતો માટે કોઈ ખાસ જોગવાઈ કરી નથી, તે મુદ્દાને લઈને ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઈ વિધાનસભા પહોંચ્યા હતા અને અનોખી રીતે સરકાર સમક્ષ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જોકે પોલીસ વિભાગ દ્વારા તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવ્યા હતા અને ટ્રેક્ટર લઈને અંદર ન જવા દેવામાં આવ્યા અને તેને લઈને ધારાસભ્ય હેમંત ખવાએ એ પણ કહ્યું કે “હું ખેડૂત પુત્ર છું, આતંકવાદી નથી અને આ ટ્રેક્ટર છે, ટેન્ક નથી.”
ત્યારબાદ ધારાસભ્ય હેમંત ખવા ચાલીને વિધાનસભા ગૃહ સુધી પહોંચ્યા હતા અને મીડિયાને સંબોધિત કરીને કહ્યું હતું કે ગઈકાલે સરકારે જે બજેટ રજૂ કર્યું એ બજેટમાં ગામડાઓ અને ખેડૂતોને ખૂબ જ અન્યાય કરવામાં આવ્યો છે. શહેરો માટે ₹33,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે ગામડાઓ માટે ફક્ત ₹14,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગઈકાલે મંત્રીએ ગૃહમાં જ જણાવ્યું કે “શહેરોમાં 48% વસ્તી વસે છે અને ગામડાઓમાં 52%” તો આના પરથી જ સ્પષ્ટ થાય છે કે 48% લોકોને ₹.33,000 કરોડ અને 52% લોકોને ફક્ત ₹.14,000 કરોડની ફાળવણી કરીને સરકારે અન્યાય કર્યો છે. તો આ બાબતનો વિરોધ કરવા માટે હું ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા હતા પરંતુ અમારા ટ્રેક્ટરને વિધાનસભાના ગેટ પર જ રોકી દેવામાં આવ્યું, ત્યારબાદ અમે પગપાળા કરીને વિધાનસભા સુધી પહોંચ્યા.
વધુમાં ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે, આદરણીય કેશુબાપાના નિધન પછી પહેલી વખત કોઈ ગામડાની યોજના જાહેર થઈ પરંતુ આપણી કમનસીબી છે કે મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના હેઠળ 18,000 ગામડાઓને ફક્ત ₹.650 કરોડ ફાળવવામાં આવે છે જે ખૂબ જ ઓછા છે. અગાઉ પણ મારા દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવે અને ગામડાઓને પ્રાથમિક સુવિધા મળે એવી મારા દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. શહેરોનો વિકાસ થાય તેનાથી અમને વાંધો નથી પરંતુ ગામડા અને ખેડૂતના ભોગે શહેરોને વધુ બજેટ ફાળવવામાં આવે, એ અન્યાય છે માટે અમે આ મુદ્દે વિધાનસભામાં પણ રજૂઆત કરીશું.
વધુમાં ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે, આ બજેટમાં ખેડૂતોને ખાસ અન્યાય થયો છે. 4 લાખ કરોડના બજેટમાંથી એગ્રો પ્રોસેસિંગ યુનિટની સ્થાપના માટે ફક્ત ₹.16 કરોડની ફાળવણી કરવામાં આવી છે. એવી જ રીતે ટેક્સટાઇલ ઉદ્યોગને ₹2755 કરોડની ફાળવણી કરવામાં આવી છે. નવા ચેકડેમ બનાવવા માટે ફક્ત ₹896 કરોડ ફાળવવાની વાત કરી એની સામે અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ ચલાવી શકાય તેના માટે ₹2200 કરોડની જાહેરાત કરવામાં આવી. જેટલી જરૂરિયાત મેટ્રો રેલની છે એના કરતાં અનેક ગણી વધુ જરૂરિયાત લાખો ખેડૂતોને છે, તો ચેકડેમ માટે જે રકમની ફાળવણી કરવામાં આવી છે તે ખૂબ જ ઓછી છે. સૌરાષ્ટ્ર 54 માંથી 50 સીટો પર ભાજપના ધારાસભ્યો છે અને 8 મંત્રીઓ છે ત્યારે સૌની યોજનાને ફક્ત ₹.473 કરોડની જોગવાઈ કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં 11 જિલ્લા આવે છે અને 11 જિલ્લા માટે ફક્ત ₹473 કરોડની ફાળવણી કરવામાં આવી જ્યારે ફક્ત એક અમદાવાદ જિલ્લામાં સિંચાઈ માટે ₹.600 કરોડની ફાળવણી કરવામાં આવી. તો આ રીતે સૌરાષ્ટ્રને ખેડૂતોને અને ગામડાઓને ખૂબ જ ન્યાય કરવામાં આવ્યો છે અને આ મુદ્દે મેં વિધાનસભામાં પણ અને રસ્તા પર કાર્યક્રમ યોજી સરકારનું ધ્યાન દોરીશું અને કોશિશ કરીશું કે સરકાર આમાં કોઈ સુધારો લઈ આવે અને ખેડૂતોને, ગામડાને અને સૌરાષ્ટ્રને ન્યાય આપે.




