
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ઘ્વારા) સુરત.
વડોદરામાં ૩૨ વર્ષ પહેલાં ચાલુ ફરજે મૃત્યુ પામેલ કર્મચારીના પુત્રને રહેમરાહે નોકરી આપવાની BSNL દ્વારા ના કહ્યા બાદ અદાલતમાં દાદ માંગવામાં આવતા ૧૫ વર્ષની કાનૂની લડત બાદ કોર્ટે મૃત કર્મચારીના પુત્રને રહેમરાહે નોકરી આપવાનો આદેશ કર્યો હતો.
BSNL દ્વારા અરજી નકારી કાઢવાના કૃત્યને અદાલતે ગેરકાયદેસર, ગેરવ્યાજબી અને અન્યાયી ગણાવ્યું હતું. કેસની વિગતવાર માહિતી અનુસાર BSNL માં લાઇનમેન તરીકે ફરજ બજાવતા કર્મચારી ભવાની સિંહનું ચાલુ ફરજે અવસાન થયું હતું. તે સમયે તેમના પુત્રો સગીર હોવાથી, ૨૦/૬/૧૯૯૫ ના રોજ મૃતક કર્મચારીના પત્નીએ વિભાગને લેખિત અરજી આપી હતી કે મોટો પુત્ર જશવંતસિંહ ૧૮ વર્ષનો થાય ત્યારે તેને રહેમરાહે નોકરી આપવામાં આવે.
ત્યાર બાદ વર્ષ ૨૦૦૨ માં પુત્ર પુખ્ત વયનો થતાં તેને નોકરીમાં રાખવા ફરીથી વિનંતી કરવામાં આવી હતી. જોકે, BSNL ની કોર્પોરેટ ઓફિસે વર્ષ ૨૦૦૩ માં એવું કહીને અરજી ફગાવી દીધી હતી કે, સરકારી નિયમ મુજબ મૃત્યુની તારીખથી ૫ વર્ષની અંદર અરજી કરવાની હોય છે અને આ અરજી ૯ વર્ષ બાદ થઈ હોવાથી સમય મર્યાદા બહાર છે.
આ કેસ ઔદ્યોગિક ન્યાયપંચને મોકલ્યો હતો. કેસની સુનાવણી માં યુનિયન તરફે પુરાવા રજૂ કરી જણાવવામાં આવ્યું હતું કે વર્ષ ૧૯૯૫ માં જ અરજી અપાઈ હતી અને તે સમયના અધિકારીએ તેની નોંધ લઈને વર્ષ ૨૦૦૨ સુધી દાવો પેન્ડિંગ રાખવા ભલામણ પણ કરી હતી. સામે પક્ષે BSNL એ દલીલ કરી હતી કે તેમને ૧૯૯૫ ની અરજી મળી જ નથી અને કંપની ૨૦૦૮ ના નવા પરિપત્ર મુજબ કાર્યવાહી કરે છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે BSNL ના ૧૯૯૬ ના આંતરિક પત્ર પરથી જ સાબિત થાય છે કે ૧૯૯૫ માં અરજી કરવામાં આવી હતી.
અદાલતે સરકારી જાહેરનામા ટાંકીને સ્પષ્ટ કર્યું કે, સગીર સંતાન ૧૮ વર્ષનું થાય ત્યારે તે નોકરી માટે અરજી કરી શકે છે. આખરે અદાલતે મૃતક કર્મચારીના પુત્રને રહેમરાહે નોકરી પર લેવાનો આદેશ કર્યો હતો.




