
આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીશા પટેલ પર થયેલા હુમલા બાદ આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ હોસ્પિટલમાં જઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા. ત્યારબાદ મીડિયા સમક્ષ વાત કરતા પ્રદેશ નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું કે, ગઈકાલે ગોંડલમાં સ્થાનિક કોર્પોરેટરના આદેશથી જીગીશાબેન પટેલ પર કેટલાક લોકોએ હુમલો કર્યો. જીગીશાબેનને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઇજા થઇ છે. AAP નેતા પર થતા આવા હુમલાઓ ખૂબ જ ગંભીર બાબત છે. હજુ સુધી FIR થઈ નથી તો અમારી માંગ છે કે આ હુમલાખોરો પર તાત્કાલિક FIR થવી જોઈએ અને તેમના પર કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી બીજી વખત કોઈ આવી હિંમત ન કરે. આ અગાઉ પણ યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પર હુમલો થયો હતો. આ હુમલો કરનાર લોકો વિરુદ્ધ પણ ફરિયાદ લેવામાં આવી નથી. ભાજપના નેતાઓને અમારી વિનંતી છે કે યુદ્ધ છેડવાનું કામ ન કરો, કારણ કે આટલી હદે તમે ઉતરી આવ્યા છો તો હવે ગુજરાતના લોકો તમને જવાબ આપશે. હર્ષ સંઘવીના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે. નાના ગુનેગારોના સરઘસ કાઢનાર આ સરકાર મોટા ગુનેગારો સામે નતમસ્તક છે. જેના કારણે ગુજરાતમાં જંગલરાજ જેવી સ્થિતિ ઊભી થઈ છે. ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરીને પોતાની ઇમેજ સુધારવાનું કામ કરે. જો સરકાર હવે જાગશે નહીં તો આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.
આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વર્ષોથી “નારી વંદના”, “મહિલા સશક્તિકરણ” અને “બેટી બચાવો” જેવા નારા આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તેના વિરુદ્ધ જોવા મળે છે. મહિલાઓના સન્માનની વાત કરતી ભાજપની સરકાર મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગઈ છે.ગોંડલની ધરતી પર આવીને કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે કે મહિલાઓ સાથે કેવી રીતે વર્તન કરવામાં આવે છે ખાસ કરીને જીગીશાબેન પટેલ ઉપર થયેલા હુમલાને તેમણે મહિલા સુરક્ષા માટે ગંભીર પ્રશ્ન ગણાવ્યો. તેમણે આક્ષેપ કર્યો કે રાજ્યના ગૃહમંત્રી “કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે” જેવા નિવેદનો આપવામાં આવે છે, પરંતુ હકીકતમાં ગુનેગાર તત્વોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમના મત મુજબ, જીગીશાબેન પટેલ પર થયેલા હુમલાના મામલે પણ દોષિતોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે આવનારા સમયમાં મહિલા સશક્તિકરણના મુદ્દે મોટા સ્તરે અવાજ ઉઠાવવામાં આવશે. 8 માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં રાખીને ગોંડલમાં જીગીશાબેન પટેલના સમર્થનમાં વિશાળ જનસભા યોજવાની તૈયારી ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતની મહિલાઓને આપવામાં આવેલા વાયદા અને આશ્વાસનો હજી સુધી પૂર્ણ થયા નથી. જો જીગીશાબેન પટેલને ન્યાય નહીં મળે, તો ગોંડલની ભૂમિ પર જ લોકશાહી માધ્યમથી મજબૂત જવાબ આપવામાં આવશે.




