
નવરાત્રિમાં મોંઘવારીનો માર ગરબાના પાસથી લઈને ડ્રેસિંગ સુધી વધ્યો ખર્ચ ગરબાના આયોજકો પણ વધતા ખર્ચને કારણે ચિંતિત છે
નવરાત્રિમાં માતાજીની આરાધના અને ગરબાના તાલે ઝૂમવા માટે ખેલૈયાઓ આતુર છે. પરંતુ આ વખતે મોંઘવારી નવરાત્રિની મજા પર અસર કરી શકે છે. ગરબાના પાસથી લઈને કપડાં, મેકઅપ અને બ્યુટી પાર્લરની સેવાઓ સુધીના ખર્ચમાં વધારો થતાં ખેલૈયાઓનું બજેટ ખોરવાઈ શકે છે. બીજી તરફ, ગરબાના આયોજકો પણ વધતા ખર્ચને કારણે ચિંતિત છે.
આયોજકોના જણાવ્યા અનુસાર, ઓર્કેસ્ટ્રા, ગાયકો, મંડપ, લાઇટિંગ, ડેકોરેશન અને એલઈડી સ્ક્રીન સહિતની વ્યવસ્થાઓના ખર્ચમાં વધારો થયો છે. પરિણામે, કેટલાક ગરબા આયોજકોએ પાસના ભાવમાં આશરે ૨૦થી ૨૫ ટકા સુધીનો વધારો કર્યો છે. પ્રીમિયમ ગરબા આયોજનોમાં તો પાસના ભાવ ગયા વર્ષની સરખામણીએ બમણા સુધી પહોંચ્યાનું જાણવા મળે છે.
ખેલૈયાઓ માટે ગરબા રમવા ઉપરાંત તૈયાર થવાનો ખર્ચ પણ વધ્યો છે. એક ખેલૈયાના જણાવ્યા અનુસાર, અગાઉ આશરે રૂ.૨,૦૦૦માં મળતું ડ્રેસિંગ હવે રૂ.૪,૦૦૦થી રૂ.૫,૦૦૦ સુધી પહોંચી ગયું છે. ગરબાના પાસના ભાવ પણ અગાઉ આશરે રૂ.૨,૦૦૦થી રૂ.૨,૫૦૦ની આસપાસ હતા, જે હવે કેટલાક આયોજનોમાં રૂ.૩,૦૦૦થી રૂ.૪,૦૦૦ કે તેથી વધુ થઈ ગયા છે.
જાેકે, તમામ આયોજકોએ ભાવમાં મોટો વધારો કર્યો નથી. કેટલાક આયોજકો ખેલૈયાઓને આકર્ષવા માટે પાસના ભાવ વાજબી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વર્ષે ગરબા બાદ મોડી રાત સુધી ગીત-સંગીતના કાર્યક્રમોનું આકર્ષણ પણ જાેવા મળી શકે છે. આયોજકોના મતે, યુદ્ધની સ્થિતિ અને માલસામાનની અછતને કારણે ખર્ચ વધ્યો છે. હવે જાેવાનું એ રહેશે કે વધતા ખર્ચ વચ્ચે ખેલૈયાઓનો ઉત્સાહ કેટલો જળવાઈ રહે છે.




