
ઝંડા ચોકથી માણેકચોકનો ગૌરવ પંથ રોડ ખુલ્લો કરાયો.છોટા ઉદેપુર નગરપાલિકાનું દબાણ હટાવ અભિયાન.નગરપાલિકા-પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને શહેરના મુખ્ય વિસ્તારમાં રસ્તાઓ ખુલ્લા કરાવ્યા.છોટા ઉદેપુર નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક અને રાહદારીઓને અડચણરૂપ બનતા દબાણો દૂર કરવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને શહેરના મુખ્ય વિસ્તારમાં રસ્તાઓ ખુલ્લા કરાવ્યા છે. આ દબાણ હટાવ ઝુંબેશમાં ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. નગરપાલિકાએ ઝંડા ચોકથી માણેકચોક સુધીના ‘ગૌરવ પંથ‘ રોડ પર બંને સાઈડના રસ્તાઓને દબાણમુક્ત કર્યાં છે. આ માર્ગ પર લારી-ગલ્લા, શાકભાજીના વેપારીઓ અને મરી-મસાલા વેચતા વેપારીઓએ કરેલા દબાણો હટાવવામાં આવ્યા હતા.
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન નગરપાલિકાએ નાના વેપારીઓ અને પથારાવાળાઓને રાહત આપતા વૈકલ્પિક વ્યવસ્થા પણ પૂરી પાડી છે. લારી-ગલ્લા અને અન્ય પથારાવાળાઓને જીઇબી કમ્પાઉન્ડમાં વૈકલ્પિક જગ્યાએ બેસાડવામાં આવ્યા છે. આનાથી વેપારીઓનો ધંધો ચાલુ રહી શકે અને મુખ્ય માર્ગ પરની અડચણ પણ દૂર થાય.
નગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસ દ્વારા સંકલન કરીને આ સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવી હતી, જેથી શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી શકે.




