
છૂટક દારૂ ખરીદી કરતાં હેરાફેરી.બુટલેગરોની અજીબ તરકીબ! ગેસ સિલિન્ડરને બનાવ્યું દારૂનું ગોડાઉન.બાતમીના આધારે પોલીસે વલસાડ સુગર ફેક્ટરી પાસે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી.રૂરલ પોલીસે દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરોની એક ચોંકાવનારી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. સામાન્ય રીતે પોલીસથી બચવા બુટલેગરો અવનવા નુસખા અપનાવતા હોય છે, પરંતુ આ કિસ્સામાં કારના સીએનજી (CNG) સિલિન્ડરનો ઉપયોગ દારૂ છુપાવવા માટે કરવામાં આવ્યો હતો, જેને જાેઈને ખુદ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
વલસાડ રૂરલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક કારમાં દમણથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વલસાડ સુગર ફેક્ટરી પાસે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ કાર આવતા જ તેને અટકાવવામાં આવી હતી.
શરૂઆતમાં પોલીસને કારની પ્રાથમિક તપાસમાં કંઈ વાંધાજનક જણાયું નહોતું. જાેકે, પાકી બાતમી હોવાથી પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસની નજર કારમાં ફિટ કરેલા સીએનજી સિલિન્ડર પર પડી હતી. પોલીસને આ સિલિન્ડર સાથે છેડછાડ થઈ હોવાની શંકા જતા તેને ખોલીને તપાસવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક રીતે, બુટલેગરોએ સિલિન્ડરમાં ખાસ પ્રકારનું છુપું ખાનું બનાવ્યું હતું, જેમાંથી ?૧૭,૦૦૦થી વધુની કિંમતની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે આ મામલે નવસારી જિલ્લાના રહેવાસી સુનિલ પટેલ અને મયુર પટેલ નામના બે શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ દમણની વિવિધ વાઈન શોપમાંથી છૂટક દારૂ ખરીદીને આ રીતે હેરાફેરી કરતા હતા. વલસાડ પોલીસે વિદેશી દારૂનો જથ્થો, કાર અને અન્ય સાધન સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ સતર્કતાને કારણે બુટલેગરોની દારૂ ઘુસાડવાની મેલી મુરાદ પર પાણી ફરી વળ્યું છે.




