
સરકાર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીઓને નવી જવાબદારી આપવામાં આવી ડીડીઓઅ સપ્તાહમાં ઓછામાં ઓછા ૨ દિવસ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત ફરજિયાત લેવી પડશેરાજ્ય સરકારે ગામડાના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપવા માટે જિલ્લા વિકાસ અધિકારીઓ (ડીડીઓ) માટે નવી જવાબદારી નક્કી કરી છે.
હવે દરેક ડીડીઓએ સપ્તાહમાં ઓછામાં ઓછા બે દિવસ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેવી અને દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા બે કલાક વિતાવીને વિકાસ કામોની સ્થળ પર સમીક્ષા કરવી ફરજિયાત બનાવવામાં આવી છે.
પીવાના પાણી, ગંદા પાણીના નિકાલ, રસ્તા, સફાઈ અને ઘન કચરા વ્યવસ્થાપન જેવા મુદ્દાઓ પર સીધો લોક સંવાદ સાધીને પ્રતિભાવ મેળવવાની સ્પષ્ટ સૂચના અપાઈ છે.
વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ જિલ્લાઓને ૧૫ મુદ્દાઓનું વિશેષ ચેકલિસ્ટ મોકલવામાં આવ્યું છે. આ ચેકલિસ્ટમાં માળખાકીય સુવિધાઓ સાથે વહીવટી અને નાણાકીય પારદર્શિતાના મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ડીડીઓએ ગામની મુલાકાત દરમિયાન દરેક મુદ્દાની ચકાસણી કરી, ગુણવત્તાનું મૂલ્યાંકન કરીને વિગતવાર અહેવાલ તૈયાર કરવો અને સમયસર સરકારને સુપ્રત કરવો ફરજિયાત રહેશે.
સરકારનું માનવું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ પીવાનું શુદ્ધ પાણી, આંતરિક રસ્તા, ગટર વ્યવસ્થા અને સ્વચ્છતા જેવા મૂળભૂત પ્રશ્નો યથાવત છે. આ સમસ્યાઓનો વાસ્તવિક આંકડો માત્ર કાગળ પર નહીં પરંતુ સ્થળ પર જઈને સમજવો જરૂરી છે. તેથી અધિકારીઓને માત્ર નિરીક્ષણ પૂરતું નહીં પરંતુ ગ્રામજનો સાથે સીધો સંવાદ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
સચિવાલયના પંચાયત વિભાગના સૂત્રો મુજબ, મળનારા અહેવાલોની રાજ્ય સ્તરે સમીક્ષા કરીને જરૂર જણાય ત્યાં નીતિગત સુધારા કરવામાં આવશે. ગ્રામ્ય વિકાસની યોજનાઓ વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ બને તે માટે આ સમગ્ર કવાયત હાથ ધરાઈ છે.
અધિકારીઓનું માનવું છે કે ડીડીઓની નિયમિત હાજરીથી સ્થાનિક તંત્ર વધુ જવાબદાર બનશે અને નાના–મોટા પ્રશ્નો તાત્કાલિક ઉકેલાઈ શકશે. ગામડાંઓમાં શહેર જેવી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા સરકારનું આ પગલું મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા આ પગલું મહત્વનું મનાય છે.




