
પાણી છોડાતા કેનાલના નવીનીકરણ પર લાગી બ્રેક.ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં તંત્રના સંકલનનો અભાવ.સિંચાઈ વિભાગે અચાનક ખારીકટ કેનાલમાં પાણી છોડતા કોન્ટ્રાક્ટરે અધવચ્ચે કામ રોકી દેવાની ફરજ પડી.અમદાવાદની ઓળખ સમાન ખારીકટ કેનાલના નવીનીકરણના કામમાં તંત્રના સંકલનનો અભાવ છતો થયો છે. એક તરફ કેનાલને પાકી બનાવવાની કરોડોની કામગીરી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ સિંચાઈ વિભાગે અચાનક પાણી છોડતા કોન્ટ્રાક્ટરે અધવચ્ચે કામ રોકી દેવાની ફરજ પડી છે. ખેડૂતોના હિતમાં પાણી છોડાયું તે આવકાર્ય છે, પરંતુ શું તંત્રને ખબર નહોતી કે કેનાલનું કામ ચાલુ છે? તેવા સવાલો હવે ઊઠી રહ્યા છે.
સિંચાઈ વિભાગ અને કેનાલનું બાંધકામ કરતા વિભાગ વચ્ચે સંકલન હોવું અનિવાર્ય છે. જાે પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને પાણીની જરૂર હતી, તો તેનું પૂર્વ આયોજન કેમ ન કરાયું? વસ્ત્રાલમાં ભાવના સ્કૂલ પાસે કેનાલનું કામ પૂરજાેશમાં ચાલતું હતું, ત્યારે અચાનક પાણી છોડવામાં આવતા સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. કામગીરીમાં જાેડાયેલા ભારે મશીનો અને સાધનો પાણીમાં ડૂબી ન જાય તે માટે યુદ્ધના ધોરણે તેમને કેનાલની બહાર કાઢવા પડ્યા હતા. આનાથી કામમાં વિલંબ થવાની સાથે સરકારી નાણાં અને સમયનો પણ વ્યય થયો છે.
દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલે ખેડૂતોની રજૂઆતને પગલે સિંચાઈ વિભાગને પાણી છોડવા જણાવ્યું હતું.
ધારાસભ્યનું પગલું ખેડૂતો માટે રાહત સમાન છે, પરંતુ સવાલ એ છે કે સિંચાઈ વિભાગે કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરને અગાઉથી જાણ કેમ ન કરી? શું તંત્ર પાસે આવી સ્થિતિને પહોંચી વળવા માટે કોઈ બેકઅપ પ્લાન નહોતો?
ધારાસભ્યના જણાવ્યા મુજબ, ખેતી માટે ઓછામાં ઓછા બે મહિના પાણી આપવું પડે તેમ છે. એટલે કે ખારીકટ કેનાલના નવીનીકરણનું કામ હવે બે મહિના સુધી ઠપ્પ થઈ જશે.
ચોમાસા પૂર્વે કામ પૂર્ણ કરવાની ગણતરી રાખતા તંત્ર માટે આ મોટો ફટકો છે.




