
RTE પ્રવેશ પ્રક્રિયાની મુદ્દતમાં વધારો વાલીઓ ૨૩ એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે શિક્ષણ વિભાગના નવા જાહેરનામા મુજબ, હવે વાલીઓ વધુ ૬ દિવસ સુધી પોતાના બાળકોના પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે ‘રાઈટ ટુ એજ્યુકેશન‘ (RTE) અંતર્ગત ધોરણ-૧ માં પ્રવેશ મેળવવા માટેની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક હોવાથી ઘણા વાલીઓ જરૂરી દસ્તાવેજાેના અભાવે ફોર્મ ભરી શક્યા ન હતા, જેને ધ્યાનમાં રાખીને સરકારે આ મુદત વધારવાનો ર્નિણય લીધો છે.
શિક્ષણ વિભાગના નવા જાહેરનામા મુજબ, હવે વાલીઓ વધુ ૬ દિવસ સુધી પોતાના બાળકોના પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
આ પ્રવેશ પ્રક્રિયા હવે ૨૩ એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ મુદ્દતમાં વધારો થવાથી જે વાલીઓ ટેકનિકલ કારણોસર કે ડોક્યુમેન્ટ્સના કારણે અટવાયા હતા, તેમને મોટી રાહત મળી છે.
RTE હેઠળ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા અનામત બેઠકો પર મફત શિક્ષણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ છેવાડાના બાળકો સુધી પહોંચે અને કોઈ પણ બાળક પ્રવેશથી વંચિત ન રહી જાય તેવા શુભ હેતુથી તંત્ર દ્વારા આ છૂટછાટ આપવામાં આવી છે. વાલીઓને સત્તાવાર પોર્ટલ પર જઈને વહેલી તકે ફોર્મ ભરી દેવા અપીલ કરવામાં આવી છે.



