
૧૦૦ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ.ગુજરાતમાં વિશ્વની સૌથી ઉંચી મૂર્તિ બનાવનાર રામ વનજી સુતારનું નિધન.૭૦ વર્ષના કરિયરમાં તેમણે દેશ અને દુનિયાને એવી અનમોલ કૃતિઓ આપી છે, જેના માટે તેઓ હંમેશા યાદ રહેશે.પથ્થરોમાં જીવ ફૂંકનાર જાદુગર તરીકે જાણીતા ભારતીય શિલ્પકાર રામ વણજી સુતારનું અવસાન થયું છે. આ કલા જગતમાં એક યુગનો અંત આવ્યો છે. રામ વણજીએ ૧૭ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ મધ્યરાત્રિએ નોઈડા સ્થિત તેમના નિવાસસ્થાને ૧૦૦ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રામ સુતાર એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ અને ઇટાલી સહિત વિશ્વના ઘણા દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સ્થાપિત કરીને ભારતને ગૌરવ અપાવ્યું હતું.
૧૦૦ વર્ષની ઉંમરે પણ રામ સુતાર સક્રિય હતા અને અનેક મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા હતા. રામ સુતારનો જન્મ ૯ ફેબ્રુઆરી, ૧૯૨૫ના રોજ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના ગોંડુર ગામમાં થયો હતો. તેમણે મુંબઈની પ્રસિદ્ધ જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાંથી અભ્યાસ કર્યો હતો અને પોતાના ૭૦ વર્ષના લાબા કરિયરમાં ભારતીય મૂર્તિકલાને એક નવી ઉંચાઈએ પહોંચાડી. તેમણે ગુજરાતમાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ (સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા) તૈયાર કરી હતી.
દિલ્હીમાં સંસદ ભવનની બહાર ધ્યાનમગ્ન મુદ્રામાં બેઠેલા ગાંધીજીની કાંસ્ય પ્રતિમા તેમણે બનાવી હતી. મધ્યપ્રદેશના ગાંધી સાગર ડેમ પર સ્થાપિત ૪૫ ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ પણ તેમણે બનાવી હતી.
આ સિવાય તેમણે ડો. બી.આર. આંબેડકર, છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાજા સુહેલદેવ જેવી મહાન વિભૂતિઓની પ્રતિમાઓ પણ બનાવી છે. શિલ્પ ક્ષેત્રે તેમના યોગદાનને માન્યતા આપતા ભારત સરકાર અને અનેક રાજ્ય સરકારોએ તેમને સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા છે, તેમના યોગદાન અને કાર્યોને માન્યતા આપી છે.
ભારત સરકારે રામજી સુતારને ૧૯૯૯માં પદ્મશ્રી અને ૨૦૧૬માં પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. ૨૦૧૬માં તેમને ટાગોર કલ્ચરલ હાર્મની એવોર્ડ પણ મળ્યો હતો. તાજેતરમાં, નવેમ્બર ૨૦૨૫માં, તેમને મહારાષ્ટ્રના સર્વોચ્ચ પુરસ્કાર, “મહારાષ્ટ્ર ભૂષણ” થી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે તેમના ઘરે અર્પણ કરવામાં આવ્યો હતો.
અહેવાલ છે કે રામ સુતાર ઘણા દિવસોથી બીમાર હતા અને ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ ગઈકાલે રાત્રે તેમનું અવસાન થયું. રામ સુતાર છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી. તેમના નિધનથી કલા જગતે એક મહાન રત્ન ગુમાવ્યું છે.




