
અનાજ ન મળતાં આખો પરિવાર ગાંધીનગર પહોંચ્યો.અનાજના પ્રશ્ન મુદ્દે અંકલેશ્વરની હતાશ મહિલાએ સચિવાલયમાં ઝેર પીધુ.સુરક્ષાકર્મીઓએ મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ વાનમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.ગુજરાતમાં સામાન્ય વ્યક્તિની ફરિયાદ સાંભળનાર જ કોઈ નથી. રેશનકાર્ડ હોવા છતાં અનાજ અપાતુ નથી તેવી ફરિયાદ કર્યા પછી સ્થાનિક તંત્ર ગરીબ કાર્ડધારકનું સાંભળવા તૈયાર નથી. આ સંજાેગોમાં અંકલેશ્વરનો એક ગરીબ પરિવાર અનાજ મુદ્દે રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યો હતો પણ હારી-થાકીને મજબૂરવશ મહિલાએ ઝેરી દવા ગટગટાવી હતી જેથી સ્વર્ણિમ સંકુલ પાસે દોડધામ મચી હતી. સુરક્ષાકર્મીઓએ મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ વાનમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. રડમસ ચહેર મહિલાના પતિએ કહ્યું કે, અમારાં બાળકો ભૂખે મરે છે. અનાજ પણ મળતું નથી.
ગુજરાતમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો સુઇ રહેશે નહીં તેવી બડાઇ હાંકવામાં આવી રહી છે પણ સમૃધ્ધ ગુજરાતમાં પરિસ્થિતી એવી સર્જાઇ છે કે, ઘણાં ગરીબ પરિવારોને બે ટંક ખાવા ના ય ફાંફા છે. બન્યુ એવુ કે, આજે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-૧માં અંકલેશ્વરથી શિતલ માલવિયા તેમના પતિ અને બે સંતાનો સાથે અનાજ મુદ્દે રજૂઆત કરવા પહોચ્યો હતાં. તેમનું કહેવુ હતું કે, રેશનકાર્ડ હોવા છતાં વાજબી ભાવની દુકાને સમયસર અનાજ મળતુ નથી. આ મામલે સ્થાનિક કક્ષાએ ઘણી વાર રજૂઆત કરી છતાંય કોઈ સાંભળતુ નથી. તેમણે રજૂઆત કરી છતાંય પ્રશ્નોનું નિરાકરણ આવી શક્યુ ન હતું.
સાંજે ચારેક વાગે સ્વર્ણિમ સંકુલ-૧ પાસે અચાનક જ રજૂઆતકર્તા શિતલ માલવિયાએ ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવાની અસર થતાં મહિલા બેભાન થઈ ગઈ હતી. સંતાનો રડવા માંડ્યા હતા. આ જાેઈને સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા હતા. મહિલા તાકિદે એમ્બ્યુલન્સ વાનમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ ઘટનાને લીધે સચિવાલયમાં દોડધામ મચી ગઈ હતી. મહિલાના પતિનું કહેવુ હતું કે, અમારા ઘરમાં અનાજનો દાણો નથી. ખાવાના ય ફાંફા છે. બાળકો શાળાએ પણ જઈ શકતાં નથી. અનેકવાર ફરિયાદો કરી છતાંય કોઈ અમારુ સાંભળનાર નથી.
અનાજના પ્રશ્નની રજૂઆત માટે મહિલાએ અચાનક કેમ આ પગલુ કેમ ભર્યું તે અંગે સવાલો ઉઠ્યાં છે. આ ઘટના ફરી એકવાર સરકારી કચેરીઓમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવતુ નથી તે વાત પ્રસ્થાપિત કરી દીધી છે અને સરના દાવાઓને ખોટા ઠેરવ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં આજે હજારો પરિવારો બે ટંક ખાઈ શકે તેટલી હદે પણ સક્ષમ નથી. ગાંધીનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટનું કહેવું છે કે, મહિલાએ ઉંદર મારવાની ઝેરી દવા પીધી હતી. હાલ સારવાર ચાલી રહી છે અને દર્દીની સ્થિતિ સ્થિર છે.




