
બોટાદના વાઢાળાચોકમાંથી ગેરકાયદે જથ્થો ઝડપાયો/સરકારી સબસિડીના ઘઉં-ચોખા બારોબાર વેચાયા .આ ગેરકાયદેસર પ્રવૃત્તિ જાહેર વિતરણ વ્યવસ્થાનો દુરુપયોગ કરી ગરીબોના હકનું અનાજ છીનવી લેવા સમાન છ. ગુજરાત સરકારની જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવાના હેતુથી આપવામાં આવતા ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર જથ્થો બોટાદ શહેરમાંથી ઝડપાયો છે.
ચોક્કસ બાતમીના આધારે પોલીસે બોટાદના વાઢાળાચોક વિસ્તારમાં એક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે ૩૪૮ કિલો ઘઉં અને ૧૬૭ કિલો ચોખા સહિત કુલ ૫૧૫ કિલો જેટલો ગેરકાયદેસર અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ જથ્થો રેશનકાર્ડ ધારક લાભાર્થીઓ પાસેથી ઓછી કિંમતે ખરીદીને તેને કાળાબજારમાં વેચવાનું કાવતરું હોવાનું જણાઈ રહ્યું છે.
જપ્ત કરાયેલા ગેરકાયદેસર અનાજના જથ્થાની તપાસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. આ જથ્થો બોટાદ નજીકના ગઢડા વિસ્તારમાંથી લાવવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ અનાજ કૌભાંડમાં સંડોવાયેલા તત્વો દ્વારા સબસિડીવાળા
અનાજને રેશનકાર્ડ લાભાર્થીઓ પાસેથી સસ્તા ભાવે ખરીદી લેવામાં આવે છે અને ત્યારબાદ તેને ઊંચા ભાવે બહારના બજારમાં વેચીને મોટો નફો કમાવવાનું રેકેટ ચલાવતા હોવાની શંકા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ જાહેર વિતરણ વ્યવસ્થાનો દુરુપયોગ કરી ગરીબોના હકનું અનાજ છીનવી લેવા સમાન છે.
ગેરકાયદેસર ઘઉં અને ચોખાનો આટલો મોટો જથ્થો મળી આવતા પોલીસે તાત્કાલિક સમગ્ર જથ્થાને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલું છે, ગઢડામાંથી આ જથ્થો કોણે વેચ્યો હતો અને બોટાદમાં તેને ક્યાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો, તેની સઘન તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
પોલીસ હવે રેશનકાર્ડના તે લાભાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે, જેમણે કાયદાનું ઉલ્લંઘન કરીને પોતાના હકનું સબસિડીવાળું અનાજ વેચી દીધું છે.
આ તપાસ દ્વારા સમગ્ર કાળાબજારના નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે.




