
(નીડર , નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
સુપ્રીમ કોર્ટે કોઈ પણ ગુનાના આરોપીને પોલીસે જાહેરમાં માર મારવો અને તેનું સરઘસ કાઢવા પર કડક પ્રતિબંધ મુક્યો છે. આમ છતાં, ગુજરાતમાં આવા બનાવો રોજિંદા બની રહ્યા છે. અને આ ગંભીર બાબતે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન એટલે કે અદાલતના અવમાનનાની અરજી દાખલ કરાઈ છે. આ અરજીમાં રજુઆત કરાઈ છે કે, "પોલીસ વર્દી પહેરે તેનો અર્થ એ નથી કે તે કાયદાથી ઉપર કે વધુ શક્તિશાળી છે. જાહેરમાં માનવ અધિકારોનું હનન કરીને કોઈને માર મારવો એ અત્યંત અપમાનજનક છે. અરજદાર આરોપી પક્ષે કોર્ટને રજૂઆત કરતાં જણાવ્યું છે, ગત ૨૧ જૂનના રોજ દારૂના એક કેસ માં ૧૬ થી ૧૭ વર્ષની વયના સગીર બાળકની ધરપકડ કરાઈ હતી. તેને સતત ૩ દિવસ સુધી ગેરકાયદે રીતે પોલીસ કસ્ટડીમાં પૂરી રખાયો હતો.
બાદમાં તેને કોર્ટમાં રજૂ કરાયો, ત્યારે કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. સગીરના પિતાએ આક્ષેપ કર્યો છે કે પોલીસ કસ્ટડીમાં તેમના પુત્ર પર અમાનુષી અત્યાચાર ગુજારાયો હતો. સગીરના શરીરના વિવિધ ભાગો પર તીક્ષ્ણ હથિયાર/ઘા ના નિશાનો મળ્યા હોવાના પુરાવા પણ છે. આરોપી પક્ષે દલીલ કરી હતી કે સીઆરપીસી કલમ ૧૫૧ હેઠળ કોઈ પણ વ્યક્તિને ૩ દિવસ સુધી કસ્ટડીમાં ના રાખી શકાય. જોકે, સગીરને ૩ વખત કલમ ૧૫૧ હેઠળ અટકાયતમાં લઈ ગેરકાયદે રખાયો હતો. એ સાથે એનું જાહેરમાં સરઘસ પણ કઢાયું હતું.
આ મામલે ગુજરાત હાઈકોર્ટે પોલીસ તંત્ર પાસે બનાવની શરૂઆતથી લઈને આરોપીને મુક્ત કરાયો, ત્યાં સુધીની તમામ વિગતો અને ટાઈમલાઈન કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે.




