
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આજે જુનાગઢ ખાતે કલેકટરની અધ્યક્ષતામાં આયોજિત જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી. આ બેઠકમાં ભેંસાણની સહકારી મંડળીઓ સહિતના અનેક મુદ્દે રજૂઆત કરવામાં આવી. જે ખેડૂતોને લોન મળવા પાત્ર નથી એ ખેડૂતોના ખાતામાં મોટા રૂપિયા નાખવામાં આવ્યા તો તેની તપાસ ક્યાં સુધી પહોંચી અને FIR થઈ છે કે નહીં અને કોર્ટમાં કેસ ક્યાં સુધી પહોંચ્યો એ મુદ્દે પણ ચર્ચા થઈ. જે ખેડૂતોએ મંડળીઓમાં થાપાણો જમા કરાવી છે એ પાછી ક્યારે મળશે એની પણ ચર્ચા થઈ અને જેના ખાતામાં બોજાઓ પડ્યા છે એ મુદ્દે પણ ચર્ચા થઈ. આ સિવાય અમારા વિસ્તારમાં પાણીના ટાંકી તોડવા મુદ્દે, રોડ રસ્તા મુદ્દે, જીઇબી મુદ્દે ચર્ચા થઈ. આ સિવાય ખેડૂતોને મગફળીનું પેમેન્ટ નથી મળ્યું એ બાબતે પણ ચર્ચા થઈ. ભેસાણમાં લાઈટ જવાના પ્રશ્નો ખૂબ જ બને છે, ભેસાણમાં હીરાના કારખાના સહિતના મોટા ઉદ્યોગો છે અને ત્યાં લાઈટો વધારે જાય છે, તો ત્યાં ટ્રાન્સફોર્મરોની સાઈઝ મોટી કરવા માટે પણ ચર્ચા થઈ છે. જુનાગઢથી ભેસાણનો રોડ મુદ્દે પણ માર્ગ મકાનના અધિકારીઓ સાથે ચર્ચા થઈ. કાલાવડ હિમદ્રા અને બોરીયાણ એમ ત્રણ ગામમાં ગ્રામ પંચાયત નથી અને કાલાવડની ગ્રામ પંચાયત તો ચાર વર્ષથી બને છે છતાં પણ હજુ બની રહી નથી. જુલાઈ મહિનાથી કાલાવડની ગ્રામ પંચાયત અને મોટી મોણપરીની ટાંકી તોડવા મુદ્દે મીટીંગોમાં બોલી બોલીને થાકી ગયો. આ સિવાય બીજા અનેક નાના મોટા પ્રશ્નો મુદ્દે પણ મેં રજૂઆત કરી.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, બીજી ગંભીર બાબત એ છે કે રત્ન કલાકારો માટે સરકારે મોટી જાહેરાતો કરી હતી અને સરકારે કહ્યું હતું કે “રત્નકલાકારોને બાળકોની ફી સરકાર ભરશે.” તો આ યોજના માટે જૂનાગઢ જિલ્લામાં 2982 ફોર્મ ભરાયા અને આજે હું ત્રણ મહિનાથી જે પ્રશ્નનો જવાબ માંગી રહ્યો છું, એનો આજે મને જવાબ મળ્યો કે 2982માંથી એમાંથી અંદાજે 266 જેટલા રત્ન કલાકારોની જ અરજી મંજૂર થઈ છે, બાકીના લોકોની અરજી નામંજૂર થઈ. તો મેં પૂછ્યું કે આટલી મોટી સંખ્યામાં અરજીઓના મંજૂર કેમ થઈ? મેં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લગભગ બે કરોડ 25 લાખની રકમ ફાળવી અને તે આટલી રકમ ફાળવ્યા બાદ પણ અનેક કામો ચાલુ થઈ શક્યા નથી કારણ કે ફાઈલ ઉપર ફાઈલ અને પ્રોસેસ ઉપર પ્રોસેસ ચાલી રહી છે અને કામ ચાલુ થતા નથી. અને આ ફરિયાદ મારા એકલાને નથી પરંતુ ભાજપના પણ જે ધારાસભ્યો મિટિંગમાં હતા એમની પણ આ જ ફરિયાદ છે કે ગ્રાન્ટો ફાળવાઈ ગયા પછી પણ કામ થતા નથી. આ મિટિંગમાં રોડ રસ્તાની મુદ્દે બધા જ ધારાસભ્યોએ ફરિયાદ કરી. એક ગંભીર મુદ્દો હતો કે ઉનાળાનો સમય છે માટે તળાવો ઊંડા કરવા, ચેકડેમ ઊંડા કરવા, જેનાથી પાણીની ક્ષમતા વધે અને જે માટી નીકળે એ માટી ખેડૂતોના ઉપયોગમાં આવે એ મુદ્દે કલેક્ટર સાથે ચર્ચા થઈ.




