
ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ.મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત થઈ.કુલ ૨૯૯ બેઠકોમાંથી મહાયુતિએ ૨૧૩ બેઠકો પર કબજાે જમાવીને વિરોધ પક્ષોના ગઢમાં ગાબડાં પાડ્યા.મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. રાજ્યમાં યોજાયેલી નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી મહાયુતિ (NDA) ગઠબંધને એકતરફી વિજય મેળવ્યો છે. કુલ ૨૯૯ બેઠકોમાંથી મહાયુતિએ ૨૧૩ બેઠકો પર કબજાે જમાવીને વિરોધ પક્ષોના ગઢમાં ગાબડાં પાડ્યા છે. આ પરિણામોમાં ભાજપ (BJP) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને રાજ ઠાકરે માટે આ પરિણામો નિરાશાજનક રહ્યા છે.
મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ લોકોનો મૂડ શું છે, તે આ સ્થાનિક ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે. મહાવિકાસ અઘાડી (MVA) ને આંચકો આપતા મતદારોએ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે. ભાજપે વિદર્ભ અને મરાઠવાડા જેવા મહત્વના વિસ્તારોમાં ક્લીન સ્વીપ કરીને પોતાની તાકાત બતાવી દીધી છે.
નગર પરિષદ: ભાજપ સદીની નજીક, શિંદે જૂથનો દબદબો
રાજ્યની ૨૪૬ નગર પરિષદોના પરિણામોમાં ભાજપનું પ્રદર્શન ઐતિહાસિક રહ્યું છે.
ભાજપ: ૯૬ બેઠકો પર જીત અને લીડ સાથે ભાજપ સેન્ચુરીની નજીક પહોંચી ગયું છે.
શિંદે જૂથ: એકનાથ શિંદેની શિવસેનાએ ૪૪ બેઠકો જીતીને સાબિત કર્યું છે કે અસલી શિવસેના કોણ છે.
અજિત પવાર જૂથ: NCP (અજિત પવાર) ને ૩૪ બેઠકો મળી છે.
બીજી તરફ, વિપક્ષની હાલત કફોડી બની છે. કોંગ્રેસ ૨૭ બેઠકોમાં સમેટાઈ ગઈ છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટીને માત્ર ૮ ૮ બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.
નગર પંચાયત: અહીં પણ કમળ ખીલ્યું
નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારો ગણાતી ૪૨ નગર પંચાયતોમાં પણ મહાયુતિનો કરિશ્મા જાેવા મળ્યો છે.
અહીં ભાજપે ૨૨ બેઠકો પર વિજય પતાકા લહેરાવી છે.
શિંદે સેનાને ૮ અને અજિત પવાર જૂથને ૩ બેઠકો મળી છે.
સૌથી મોટો ફટકો શરદ પવારની પાર્ટીને પડ્યો છે, જે અહીં ખાતું પણ ખોલાવી શકી નથી. વિપક્ષમાં શિવસેના (UBT) ને ૪ અને કોંગ્રેસને માત્ર ૩ બેઠકો મળી છે.
રાજ ઠાકરેનું પ્રદર્શન શૂન્ય મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરે માટે આ ચૂંટણી અસ્તિત્વનો પ્રશ્ન બની ગઈ છે. નગર પરિષદ હોય કે પંચાયત, તેમની પાર્ટીને એક પણ બેઠક મળી નથી. મતદારોએ MNS ને સંપૂર્ણપણે જાકારો આપ્યો છે.
BMC ચૂંટણી પહેલાં ટ્રેલર? રાજકીય પંડિતોના મતે, આ પરિણામો જાન્યુઆરીમાં યોજાનારી મુંબઈ મહાનગરપાલિકા અને અન્ય ૨૮ પાલિકાઓની ચૂંટણીનું ટ્રેલર છે. ભાજપની રણનીતિ અને જમીની સ્તરે કરેલી મહેનત રંગ લાવી છે, જે આગામી મોટી ચૂંટણીઓમાં મહાયુતિ માટે બુસ્ટર ડોઝ સાબિત થશે.




