
યુપીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન
ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કુરિવાજાે દૂર કરવાની જરૂર છે મુસ્લિમોને ગાળો ભાંડવાથી કે અન્ય કોઈ સમુદાયને નિશાન બનાવવાથી ભારત હિંદુ રાષ્ટ્ર નહીં બની શકે
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બાંદામાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં હિંદુ સમાજને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, મુસ્લિમોને ગાળો ભાંડવાથી કે અન્ય કોઈ સમુદાયને નિશાન બનાવવાથી ભારત હિંદુ રાષ્ટ્ર નહીં બની શકે. શાસ્ત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સૌથી પહેલા હિંદુઓએ પોતાની કુરીતિઓ અને આંતરિક ખામીઓને સુધારવાની જરૂર છે, તો જ સમાજમાં શાંતિ, એકતા અને સૌહાર્દ સ્થાપિત થઈ શકે છે.
દિવ્ય હનુમંત કથાના દસ દિવસ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર શુક્રવારે બાંદા પહોંચ્યા હતા. તેઓ ખુરહંડ સ્ટેશન સ્થિત ધારાસભ્ય પ્રકાશ દ્વિવેદી દ્વારા આયોજિત સુંદરકાંડ અને હનુમાન ચાલીસા પાઠના કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન તેમણે કહ્યું, “હિંદુઓ મારી એક વાત નોંધી લે, મુસ્લિમોને ગાળો ભાંડીને હિંદુ રાષ્ટ્ર નહીં બને. હિંદુઓએ પોતાની કુરીતિઓ સુધારવી પડશે, તો જ ભારત હિંદુ રાષ્ટ્ર બનશે. આપણા સનાતનમાં જે ખામીઓ છે તેને દૂર કરીશું ત્યારે જ તે શક્ય બનશે. ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો એક જ ઉપાય છે – ‘જ્ઞાતિ-જાતિની કરો વિદાય, આપણે સૌ હિંદુ ભાઈ-ભાઈ‘.”
બાગેશ્વર બાબાએ કહ્યું કે, “ત્યાં તો ત્રણ વાર બોલ્યા અને છૂટાછેડા (તલાક) થઈ જાય છે, પરંતુ અમારે ત્યાં (હિંદુ ધર્મમાં) જ્યાં સુધી ૨૦ થી ૨૫ વાર કોર્ટમાં હાજર ન થાય ત્યાં સુધી છૂટાછેડા થતા નથી. તેઓમાં કોઈ બૂરાઈ નથી. સારી વાત છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.”
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, આપણું કામ ભગવાનના દ્વારે જવાનું છે, તેમનું કામ બગડેલી બાજી સુધારવાનું છે અને પરમાત્માનું કામ બધું સંભાળવાનું છે. તેમણે ઉમેર્યું, “એક વાત યાદ રાખજાે, જાે તમે ભગવાન પર ભરોસો રાખશો તો તેઓ તમારો ભરોસો ક્યારેય તૂટવા નહીં દે. જાે તમે અધવચ્ચેથી અન્ય પાસે જવા લાગો, ક્યારેક દરગાહ પર ચાદર ચઢાવવા લાગો, ક્યારેક મીણબત્તી સળગાવવા લાગો અને પછી કહો કે હનુમાનજી કૃપા નથી કરી રહ્યા, તો તે યોગ્ય નથી. કાં તો બધું ભગવાન પર છોડી દો અથવા તો સાચા અર્થમાં ભગવાન પર જ વિશ્વાસ રાખો.”




