NEET Exam Scam : NEET મેડિકલ પરીક્ષામાં ગોટાળાને લઈને વિદ્યાર્થીઓનો ગુસ્સો ચરમસીમાએ છે. દેશભરમાં મેડિકલના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ઓડિશામાં તેમના સંસદીય મતવિસ્તાર સંબલપુર પહોંચતા, ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે સુપ્રીમ કોર્ટની ભલામણ પર, 1,563 ઉમેદવારોની ફરીથી તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. NEET પરીક્ષા દરમિયાન બે જગ્યાએ કેટલીક ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે.
NTAમાં સુધારાની ખૂબ જ જરૂર છે
આ સાથે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓને આશ્વાસન આપે છે કે સરકારે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. જો નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના વરિષ્ઠ અધિકારીઓ દોષી સાબિત થશે તો પણ તેમને બક્ષવામાં આવશે નહીં. કેન્દ્રીય મંત્રીએ એ પણ સ્વીકાર્યું કે NTAમાં ઘણા સુધારાની જરૂર છે. સરકાર આનાથી ચિંતિત છે. કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં, તેમને સખતમાં સખત સજા આપવામાં આવશે.
23મી જૂને પુનઃ પરીક્ષા યોજાવાની છે
તમને જણાવી દઈએ કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ગુરુવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે NEET 2024ની પરીક્ષામાં ગ્રેસ માર્ક્સ મેળવનારા 1,563 ઉમેદવારોના સ્કોરકાર્ડ રદ કરવામાં આવશે. આ ઉમેદવારોને ફરીથી પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવશે. NEET 2024 ની પુનઃપરીક્ષા 23 જૂને યોજાવાની છે, જેનાં પરિણામો 30 જૂન પહેલાં અપેક્ષિત છે.
સુપ્રીમ કોર્ટમાં 8 જુલાઈએ સુનાવણી
NEET પરીક્ષામાં ગોટાળાને લઈને સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 8 જુલાઈના રોજ છે. કોર્ટે NTAના નિવેદનને સ્વીકાર્યું કે 1,563 વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા માટે સત્તાવાર સૂચના જારી કરવામાં આવશે. જુલાઈમાં શરૂ થનારી કાઉન્સેલિંગમાં કોઈ અડચણ ન આવે તેની ખાતરી કરવા માટે તેના પરિણામો 30 જૂન પહેલા જાહેર કરવામાં આવશે.